લાખો રૂપિયાથી ભરેલું બેગ મળ્યા બાદ આ ગુજરાતીએ એવું કામ કર્યુ કે, જાણીને થશે ગર્વ…

લાખો રૂપિયાથી ભરેલું બેગ મળ્યા બાદ આ ગુજરાતીએ એવું કામ કર્યુ કે, જાણીને થશે ગર્વ…

કહેવાય છે કે, લાલચ બૂરી બલા છે. પણ આજના સમયમાં ટકી રહેવા માટે લોકોએ આ બલાને પોતાની મહેબૂબા બનાવી દીધી છે. લોકો વધુને વધુ પૈસા અને ઉંચી પોઝિશન મેળવવા માટે એકબીજાના ટાંટિયા ખેંચી રહ્યાં છે. લોકોને છેતરી રહ્યાં છે. એવામાં એક આચાર્યએ ઈમાદાનદારી દાખવીને માણસાઈ શબ્દને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.  તમને આ વાંચીને  થતું હશે કે, એેવું તે આ વ્યક્તિ શું કર્યુ? તો ચલો જાણીએ છે કોણ છે આ વ્યક્તિ અને શું આ ઘટના??

આ વ્યકિત વિશે વાત કરતાં પહેલા તમને એક પ્રશ્ન પૂછીશું કે, જો તમને લાખો રૂપિયાથી ભરેલું બેગ મળે તો તમે શું કરો?? સ્વભાવિક છે કે, એ પૈસાથી તમે તમારી જરૂરિયાઓ અથવા તો પોતાનો શોખ પૂરા કરવાના સપના પૂરા કરવાનું  વિચારો.  પરંતુ નાનકડા ગામમાં રહેતા ભાવેશભાઈએ જે કર્યુ , એના વિશે જાણશો તો તમને પણ ઈમાનદારીનો શબ્દનો મતલબ સમજાશે.

ટંકારા તાલુકામાં બંગાવડી નામનું 2000ની વસ્તી ધરાવતું એક નાનું ગામ છે. આ ગામની હાઈસ્કુલમાં ભાવેશભાઈ જીવાણી આચાર્ય તરીકે સેવા આપે છે. હજુ દોઢેક વર્ષ પહેલાં જ આચાર્યની સીધી ભરતીમાં પસંદગી પામીને ભાવેશભાઈ સરકારી સેવામાં જોડાયા છે.

Advertisement

બે દિવસ પહેલા મોડી સાંજે મોરબીમાં ખૂબ વરસાદ હતો. મોટરસાઇકલ લઈને નીકળેલા ભાવેશભાઈ વરસાદથી બચવા એક જગ્યાએ મોટરસાયકલ પાર્ક કરીને ઉભા હતા. વરસાદના પાણીમાં તણાઈને આવેલો એક થેલો ભાવેશભાઈના પગ સાથે અથડાયો. નીચે નમીને જોયું તો થેલો હતો. આજુ બાજુ નજર નાંખી પણ કોઈ દેખાયું નહિ એટલે વરસાદ બંધ થતાં થેલો સાથે લઈને ભાવેશભાઈ પોતાના ઘર તરફ જવા રવાના થયા.

ઘરે આવીને થેલો ખોલ્યો તો આંખો પહોળી થઇ ગઈ. થેલામાં નોટોના બંડલ હતા. ભીના થયેલા બંડલ ગણ્યા તો 5 લાખથી પણ વધુ રકમ હતી. આટલી મોટી રોકડ રકમ જોઈને કોઈપણનું મન લલચાઈ જાય પણ ભાવેશભાઈને સૌથી પહેલો વિચાર એ આવ્યો કે જેની આ રકમ હશે એની અત્યારે શું હાલત હશે ? ભાવેશભાઈએ તુરત જ સંકલ્પ કર્યો કે જેની પણ રકમ હોય એ મૂળ માલિકને શોધીને વહેલામાં વહેલી તકે રકમ પરત કરવી છે.

આવડા મોટા મોરબીમાં થેલાના મૂળ માલિકને શોધી કાઢવા સોશયલ મીડિયાનો ઉપયોગ કરવાનું એણે નક્કી કર્યું. પત્રકારત્વ જગત સાથે સંકળાયેલા દિલીપભાઈ બરાસર ‘મોરબી અપડેટ’નામનું એક ફેસબુક પેઈજ ચલાવે છે જેને મોટાભાગના મોરબીવાસીઓ ફોલો કરે છે. ભાવેશભાઈએ દિલીપભાઈનો સંપર્ક કરીને મૂળ માલિક સુધી સમાચાર પહોંચાડવા ફેસબુક પેઈજ પર પોસ્ટ મુકવા કહ્યું. દિલીપભાઈએ ભાવેશભાઈના મોબાઈલ નંબર સાથે ફેસબુક પોસ્ટ મૂકી અને જેનો થેલો હોઈ, એ આપેલા નંબર પર સંપર્ક કરીને ખાતરી કરાવી થેલો મેળવી લે તેમ જણાવ્યું.

Advertisement

થોડી જ વારમાં આ સમાચાર થેલાના મૂળ માલિક મહેશભાઈ શેરસિયા સુધી પહોંચી ગયા. મહેશભાઈએ આપેલા નંબર પર ફોન કરીને થેલો પોતાનો જ હોવાની ખાતરી કરાવી. ભાવેશભાઈને પૂર્ણ ખાતરી થતા 5 લાખની રોકડ રકમ રાત્રે જ મૂળ માલિકને પરત કરી દીધી.

આજના સમયમાં ઉછીના લીધેલા નાણાં પાછા આપવામાં પણ લોકો ગલ્લા-તલ્લા કરે છે ત્યારે ભાવેશભાઈ જીવાણીએ રસ્તામાંથી મળેલી 5 લાખ જેવી મોટી રકમ રાતેને રાતે મૂળ માલિકને શોધી પરત કરી. ભાવેશભાઈએ રકમ પરત કરીને એના પરિવારના સંસ્કારોનો સૌને પરિચય આપ્યો છે અને નવી પેઢીને નૈતિકતાનો પ્રેરક પાઠ ભણાવ્યો છે.

આમ, એક તરફ જ્યારે લોકો પૈસાની લાલચમાં પોતાના જ પરિવાર અને મિત્રોના વેરી બન્યા છે, ત્યારે ભાવેશભાઈ જેવા લોકો અજાણ્યા વ્યક્તિની મુશ્કેલી સમજીને  માણસાઈ દાખવી રહ્યાં છે. સાથે જ  લોકોને ઈમાનદારીનો અર્થ સમજાવી રહ્યાં છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *