કેદારનાથ ધામએ ભગવાન શંકરને સમર્પિત એવું હિંદુઓનું પવિત્ર સ્થાન છે. આ સ્થળ હિમાલયની ગિરિમાળામાં ગઢવાલ ક્ષેત્રમાં ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. આ ધામ હવામાનની વિષમતાના કારણે અને દુર્ગમ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે વર્ષ દરમિયાન માત્ર 6 મહિના જ ખુલ્લું જ રહે છે એટલે કે અક્ષય તૃતિયાથી શરૂ કરીને કાર્તિક સુદ પૂર્ણિમા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. ત્યારબાદ શિયાળાની શરૂઆત થતાં જ ભગવાનને સ્થળાંતરિ કરીને ઉખીમઠ ખાતે પૂજનઅર્ચન અર્થે લાવવામાં આવે છે.
મહત્વનું છે કે હિન્દુઓના પ્રસિદ્ધ 4 ધામો પૈકી એક છે કેદારનાથ અને બદ્રિનાથ. એક માન્યતા અનુસાર આ મંદિરનું નિર્માણ આદિ શંકરાચાર્યએ કર્યું હતું. કહેવાય છે કે હિમાલયના કેદાર શૃંગ પર ભગવાન વિષ્ણુના અવતાર મહા તપસ્વી નર અને નારાયણ ઋષિ તપસ્યા કરી રહ્યાં હતાં. તેમની આરાધનાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને પ્રગટ થયા. તેમની પ્રાર્થના અનુસાર, ભગવાન શિવે તેમને જ્યોતિર્લિંગના રૂપમાં સદાય વાસ કરવાનું વરદાન આપ્યું હતું.

6 મહિના મંદિર સંપૂર્ણ બંધ રહે છે
કેદારનાથ મંદિર સાથે જોડાયેલી એક આશ્ચર્યની વાત એ છે કે 6 મહિના સુધી બંધ રહ્યાં બાદ પણ આ મંદિરમાં સ્વચ્છતા એવી જ જોવા મળે છે કે જેવી બંધ કરતા સમયે હોય. શિયાળાની ઋતુમાં કેદારનાથ મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે. સૌથી રહસ્યની વાત એ છે કે અહિંયા 6 મહિના સુધી અખંડ દીવો પ્રજ્વલિત રહે છે. પૂજારી કપાટ બંધ કરીને ભગવાનના વિગ્રહ અને દંડને 6 માસ સુધી પહાડની નીચે ઉખીમઠમાં લઈ જાય છે. 6 મહિના બાદ મે અથવા એપ્રિલના અંતમાં કેદારનાથ મંદિરમાં કપાટ ખુલે છે. ત્યારેથી ઉત્તરાખંડની યાત્રા પ્રારંભ થાય છે. 6 મહિના સુધી મંદિર આસપાસ કોઈ નથી રહેતું.
કેવી રીતે કરવામાં આવે છે ભગવાનની પૂજા ?
મંદિરના ગર્ભ દ્વારમાં અણિયારા પથ્થરોમાંથી નિર્મિત ભગવાન શિવજીની પૂજા થાય છે. મંદિરની અંદર ઘોર અંધકાર હોય છે અને દીપના અજવાળે ભગવાન શિવજીના દર્શન થાય છે. શિવલિંગ સ્વયંભુ છે. મંદિરમાં પ્રવેશતા યાત્રિઓ જળાભિષેક અને પુષ્પમાળા ચડાવે છે અને ભગવાનને ઘી અર્પણ કરીને બહાર નીકળે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ કેદારનાથની યાત્રા કર્યા વગર બદ્રીનાથની યાત્રા કરે છે તેની યાત્રા નિષ્ફળ જાય છે.

શું છે કેદારનાથ મંદિરનું રહસ્ય
કેદારનાથ ધામ દરેક બાજુએથી પહાડોથી ઘેરાયેલું છે. એક તરફ 22 હજાર ફૂટ ઉંચા કેદારનાથ, બીજી તરફ 21,600 ફૂટ ઉંચા ખર્ચકુંડ અને ત્રીજી તરફ 22,700 ફૂટ ઉંચો ભરતકુંડ. કેદારનાથ ધામ દેશના બાર જ્યોતિર્લિંગોમાં સર્વોચ્ચ કેદારેશ્વર જ્યોતિર્લિંગ છે. કેદારનાથ મંદિર લગભગ 85 ફુટ ઉંચું, 187 ફુટ લાંબુ અને 80 ફુટ પહોળું છે. તેની દિવાલો 12 ફુટ પહોળી છે અને ખૂબ જ મજબૂત પથ્થરોમાંથી બનાવાઈ છે. મંદિરને 6 ફુટ ઉંચા ચબૂતરા પર ઉભું કરવામાં આવ્યું છે. આટલા ભારે પથ્થરોને આટલી ઉંચાઈ પર લઈ જઈને મંદિર કેવી રીતે બનાવાયું તે આજે પણ એક રહસ્ય છે.