
ટેક્સાસમાં શનિવારના ગોળીબારમાં માર્યા ગયેલા નવ લોકોમાં એક ભારતીય મૂળની મહિલાનો પણ સમાવેશ થાય છે. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર તેનું નામ ઐશ્વર્યા થાટીકોંડા હતું. જે વ્યવસાયે એન્જિનિયર હતી અને એક ખાનગી કંપની સાથે પ્રોજેક્ટ મેનેજર તરીકે જોડાયેલા હતી. જે સમયે હુમલાખોરે ગોળીબાર કર્યો તે સમયે ઐશ્વર્યા તેના મિત્ર સાથે મોલમાં ખરીદી કરવા ગઈ હતી.
ઐશ્વર્યાનો પરિવાર હૈદરાબાદનો છે. તેમણે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે ઐશ્વર્યાના મિત્રને પણ ગોળી વાગી છે. જો કે હવે તે ખતરાની બહાર છે. પરિવાર હવે ઐશ્વર્યાના મૃતદેહને ભારત પરત લાવવાની તૈયારી કરી રહ્યો છે.

વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ 8 લોકોની હત્યા કરનાર હુમલાખોરની ઓળખ થઈ ગઈ છે. તેનું નામ મોર્સિયો ગાર્સિયા કહેવાઈ રહ્યું છે. તેના કપડાં પર લગાવેલા કેટલાક બેજના કારણે તેને નાઝી સમર્થક કહેવામાં આવી રહ્યો છે.
સાથે જ પોલીસ આ મામલાની રંગભેદના એંગલથી પણ તપાસ કરી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે હુમલાખોર પાસે અનેક પ્રકારના હથિયારો હતા. હુમલામાં વપરાયેલી બંદૂક સિવાય તેની પાસે વધુ 5 બંદૂકો પણ હતી.

ટેક્સાસ ગોળીબાર બાદ રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે સામૂહિક ગોળીબાર આપણા દેશને બરબાદ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે મૃતકોમાં બાળકો પણ સામેલ છે. તેમણે વિરોધ પક્ષોને ગન કંટ્રોલ સંબંધિત કાયદો ઘડવામાં તેમની સાથે સહયોગ કરવા જણાવ્યું છે.
ઘટના સમયે હાજર મહિલાએ જણાવ્યું કે હુમલાખોરે લગભગ 50થી 60 ગોળી ચલાવી હતી. જે બાદ પોલીસ ગોળીબારમાં તેનું મોત થયું હતું. આ ઘટનામાં સાત લોકો ઘાયલ પણ થયા છે.