
જમ્મુ-કાશ્મીરના રાજૌરીના ડાંગરી ગામના સરપંચ ધીરજ હાથમાં બંદૂક લઈને ઊભા છે. તેમની બાજુમાં સુભાષ ચંદર પણ રાઈફલ લઈને ઊભા છે. સુભાષ સરકારી ઓફિસમાં પટાવાળા છે, તેમને બંદૂક સાથે કોઈ લેવાદેવા નથી. સૌરભ કુમાર પણ બંદૂક લઈને પાછળ આવી રહ્યા છે, તેઓ ભાજપના બ્લોક પ્રમુખ છે. તેમની સાથે અજય કુમાર અને રમેશ ચંદર જેવા ઘણા પૂર્વ સૈનિકો છે, જેમણે વર્ષો પહેલાં બંદૂક છોડી દીધી હતી, પરંતુ હવે એને ફરીથી ઉપાડવી પડશે.
ડાંગરીના સામાન્ય લોકોના હાથમાં બંદૂક છે, મહિલાઓ પણ બંદૂક વાપરવાની ટ્રેનિંગ લઈ રહી છે. તપાસમાં માતા-પિતા બંદૂક વાપરવાની ટ્રેનિંગ કરી રહી છે, બાળકો દૂરથી જોઈ રહ્યાં છે. આ વખતે આ બધું 1 જાન્યુઆરીની સાંજથી શરૂ થયું છે.

આ સાંજે બે આતંકી આવ્યા અને AK-47થી 4 ઘર પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. જતાં-જતાં એક ઘરની બહાર બોમ્બ પ્લાન્ટ કરી ગયા. હુમલામાં 7 લોકોનાં મોત થઈ ગયાં અને 11 લોકો ઘાયલ થઈ ગયા. મરનારમાં 2 બાળક પણ હતા. આ હુમલાના જવાબમાં વિલેજ ડિફેન્સ કમિટી(VDC)ના મેમ્બર્સની ટ્રેનિંગ શરૂ થઈ ગઈ, પરંતુ સવાલ એ છે કે વગર પગારે તેઓ કેટલા દિવસ ચાલશે.
બાલકૃષ્ણની ફાયરિંગથી આતંકીઓ ભાગ્યા
આતંકવાદીઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાના ઈરાદાથી આવ્યા હતા, પરંતુ ગામના બાલકૃષ્ણ પાસે જૂની રાઈફલ હતી. જ્યારે તેમણે એક ગોળીબાર કર્યો ત્યારે આતંકવાદીઓને લાગ્યું કે ફોર્સ આવી ગઈ છે, તેઓ ભાગી ગયા. ગામમાં એક નહીં, પરંતુ 71 જૂની રાઈફલ હાજર હતી.
જોકે ઘણાં વર્ષોથી વાપરવાનું તો દૂર, કોઈએ એને ઉપાડી પણ નહોતી. 1998 અને 2001ની વચ્ચે, VDC હેઠળ ગ્રામજનોને 71 બંદૂક આપવામાં આવી હતી. ત્યારે આતંકવાદ ચરમસીમાએ હતો, પરંતુ આ બંદૂકોની ક્યારેય જરૂર ન પડી.
1 જાન્યુઆરીએ થયેલી આતંકી ઘટના પછી 5 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હાએ વચન આપ્યું કે રાજૌરીમાં કામ કરનાર વિલેજ ડિફેન્સ કમિટીને તૈયાર કરવામાં આવે. બીજી તરફ જમ્મુ-કાશ્મીર પોલીસના DGP દિલબાગ સિંહે પણ રિટાયર્ડ સૈનિકોને VDCમાં સામેલ કરવાની વાત કહી.
ગ્રામજનો સુરક્ષા માટે પર્સનલ હથિયાર ખરીદવા માગે છે
ધીરજ પછી અમે ડાંગરીના નવનીત શર્માને મળ્યા. નવનીત આતંકી ઘટના બાદ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તે કહે છે- ‘ગામના લોકોનાં દિલમાં ફેલાયેલો ગભરાટ પછી લોકોએ પર્સનલ હથિયાર રાખવા વિશે વિચારવાનું શરૂ કર્યું છે.
ઘાટીથી આતંક ફેલાયો, પછી VDCની રચના થઈ
1990ના દાયકામાં કાશ્મીર ઘાટીમાં આતંકવાદ ઝડપથી ફેલાવા લાગ્યો હતો. દરમિયાન દક્ષિણ કાશ્મીર વિસ્તારમાંથી ડોડા, બદરવા, રામબન, રિયાસી, રાજૌરી, જમ્મુના પૂંછ તરફ આતંકવાદીઓની ઘૂસણખોરી વધવા લાગી. એક તરફ સરહદ પારથી આતંકવાદીઓ આવી રહ્યા હતા, તો બીજી તરફ કાશ્મીરના આતંકવાદીઓએ પણ જમ્મુ ક્ષેત્રમાં હિન્દુ લઘુમતી ગામોને નિશાન બનાવવાનું શરૂ કર્યું.
જમ્મુ વિસ્તારના આ જિલ્લા અને કાશ્મીર વચ્ચે પીર પંજાલ પર્વતમાળા છે. એને પાર કરીને આતંકી જમ્મુમાં ઘૂસણખોરી કરી રહ્યા હતા. 1993માં જમ્મુના કિશ્તવર જિલ્લામાં આતંકીઓએ એકસાથે 13 લોકોની હત્યા કરી હતી. આ ઘટના પછી આતંકીઓ સાથે લડવા ગ્રામ્ય સ્તરે લોકોને સંગઠિત કરવાનો નિર્ણય લીધો.