કહેવાય છે ને કે, ભગવાન જ્યારે આપે ત્યારે છપ્પર ફાડીને આપે. બસ આવું જ કંઈક આ 5 મજૂરો સાથે બન્યું. જેમની રાતોરાત કિસ્મત બદલાઈ ગઈ. જે મજૂરને બે ટંક ખાવા માટે પણ ધોખધખતા તાપમાં પોતાની જાત બાળવી પડતી હતી. તે મજૂરો આજે લખપતિ થઈ ગયા છે.
જી હા… તમને લાગતું હશે આવું કેવી રીતે બની શકે. પણ આ એક સત્ય હકિકત છે. જેમાં 5 મંજૂરોની કિસ્મત બદલાઈ ગઈ. આવો જાણીએ કોણ છે આ નસીબદાર મંજૂરો જેમની પર મા લક્ષ્મી મહેરબાન થયા છે.
આ ઘટના મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના એક ગામની છે. જ્યાં આ ગામના મજૂરને બે કિંમતી હીરા મળી આવ્યાં હતા. ત્યારબાદ આ મજૂરની કિસ્મત એવી બદલાઈ કે, તે રાતોરાત લાખોના માલિક બની ગયા.
જિલ્લા મેજિસ્ટ્રેટ સંજયકુમાર મિશ્રાના જણાવ્યાનુસાર,ઈટવા ખાસ ગામના રહેવાસી ભગવાનદાસ કુશવાહ અને સાથે કામ કરતાં મજૂરોને સોમવારે ખાણમાં ખોદકામ કરતી વખતે 7.94 કેરેટ અને 1.93 કેરેટના બે કિંમતી હીરા મળી આવ્યા હતા.
આગળ વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, માર્ચના બીજા સપ્તાહમાં વહીવટી તંત્ર દ્વારા અન્ય હીરાની સાથે આ બંને હીરાની પણ હરાજી કરવામાં આવશે. હરાજીથી મળેલી રકમમાંથી સરકારની આવક કાપવામાં આવશે અને બાકીની રકમ કુશવાહ અને તેના સાથી કામદારોને આપવામાં આવશે.
કુશવાહએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, તેણે સ્થાનિક હીરાની ઓફિસમાં બંને હીરા જમા કરાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ બે કિંમતી હીરા મળ્યા તે દરમિયાન તેમના સહિત પાંચ કામદારો ખાણમાં ખોદકામ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, આમાંથી મળતી રકમ તેના પરિવારની સમસ્યાઓને દુર કરશે અને નાણાંનો ઉપયોગ બાળકોના શિક્ષણમાં થઈ શકે છે.