
રાજકોટ નજીક ભીચરી ગામે રહેતાં મૌલિકભાઈ કાળુભાઇ રામાણી (ઉ.વ.22) ગઈકાલે સાંજે ચાર વાગ્યાની આસપાસ પોતાના ઘરે રૂમમાં પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરિવારજનોએ મૌલિકને જગાડવા રૂમનો દરવાજો ખખડાવતા દરવાજો ન ખોલતાં બારીએથી તપાસ કરતાં પુત્રને લટકેલો જોતાં પરિવારજનોએ આક્રંદ મચાવ્યો હતો.
યુવકને બેભાન હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતાં પોલીસે જરૂરી કર્યાવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી પરિવારની પૂછપરછ હાથ ધરી હતી.
મૌલિકના લગ્ન દોઢ વર્ષ પહેલાં થાય હતાં અને તેની પત્ની હેતલ હાલ સગર્ભા છે. સીએનસી મશીનના કારખાનામાં નોકરીએ જતો હતો અને છેલ્લા છ માસથી તે વ્યવસ્થિત પગારવાળી નોકરી માટે કંપની બદલતો રહેતો હતો. સારી નોકરી ન મળતાં પરિવાર પર આર્થીકભીંસ આવી જશે તેની ચિંતામાં પગલું ભરી લીધું હોવાનું પરિવારજનોનું અનુમાન છે.
એક ના એક બહેને પોતાનો લાડકવાયો ભાઇ ગુમાવ્યો છે અને પરિવારનો આધારસ્તંભ યુવાન દીકરો ગુમાવ્યો છે પરંતુ, તેમના આવનાર બાળકે તો જન્મ પહેલા જ પિતા ગુમાવી દેતા સૌથી મોટી ખોટ આવનાર બાળક અને તેની માતા પર જોવા મળી શકે છે. બનાવના પગલે ખેતીકામ કરતા પિતા સહિતના પરિવારજનો પર આભ તૂટી પડતાં શોકનું મોજું ફરી વળ્યું છે.