
આજે સવારના સમયે કલોલના અંબિકા બસ સ્ટેન્ડ નજીક એક ખોફનાક નજારો જોવા મળ્યો હતો. જ્યાં એક લક્ઝરી બસ આવીને ST બસને પાછળથી ધડાકાભેર અથડાવતા રુવાંટાં ઊભાં કરી દેતો અકસ્માત સર્જાયો હતો. જ્યાં લક્ઝરી અને એસટી બસના અક્સ્માતમાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. કોઈ નોકરીએ જવા, તો કોઈ કોલેજ જવા બસની રાહ જોઈને ઊભા હતા. ત્યાં જ કાળ બનીને આવેલી એક લક્ઝરીએ એસટીબસને ટક્કર મારતાંની સાથે જ મુસાફરો પર અચાનક બસ ફરી વળતાં ગણતરીની સેકન્ડોમાં જ જીવતા મુસાફરોની લાશના ઢગલા થઈ ગયા હતા. ઘટનાસ્થળનો નજારો એટલો ભયંકર હતો કે જોનારાનાં રુવાંટાં ઊભાં થઈ જાય. લોખંડની રેલિંગ પાસે ઊભેલા મુસાફરો એ જ રેલિંગમાં દબાઈ ગયા….
અકસ્માતની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં, પરંતુ ત્યાંનો નજારો જોતા લોકો ગભરાયેલા હતા. જ્યાં જુઓ ત્યાં લાશોના ઢગલા અને લોહીનાં ખાબોચિયાં જ જોવા મળ્યાં હતાં. આ સમગ્ર ઘટના બનતા કેટલાક લોકો ઘટનાના વીડિયો ઉતારવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા. આ સ્થિતિ વચ્ચે બે હિંમતવાન યુવતીઓએ તાત્કાલિક ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલા અને કેટલાકના હજી શ્વાસ ચાલી રહ્યા હતા તેમની પાસે પહોંચી અને તમામને રેલિંગમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરવા લાગી હતી. જોકે યુવતીઓને મદદ કરતી જોતાં અન્ય લોકો પણ મદદે આવી પહોંચ્યા હતા. સ્થાનિકો બસ અને રેલિંગ વચ્ચે ફસાયેલા મૃતદેહોને બહાર કાઢતા જ હતા, ત્યાં અચાનક બસમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. જોકે થોડીવાર બાદ ધુમાડો બંધ થઈ જતા બસને રેલિંગથી દૂર કરી દેવામાં આવી હતી.

આ અકસ્માતમાં કોઈએ પોતાના પિતા તો કોઈએ પુત્ર ગુમાવ્યો છે. જ્યારે કોઈએ માતા તો કોઈનાં સગાં આ ઘટનાનો ભોગ બન્યા હતા. ત્યારે કલોલનો જ એક રહેવાસી સાવન દરજી પણ આ અકસ્માતનો ભોગ બન્યો. સાવન પરિવારનો એકનો એક દીકરો હતો. ઘટનાની જાણ થતાં જ માતા પુત્રને જોવા માટે હોસ્પિટલ દોડી આવી હતી, પરંતુ હોસ્પિટલમાં પુત્રની લાશ જોતાં જ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જે દીકરો થોડા જ સમય પહેલાં ઘરેથી નીકળી બસ સ્ટેશન જવા નીકળ્યો હતો. તે પુત્રની લાશને ચાદરમાં લપેટાયેલી જોતાં જ માતાએ રોકકળ કરી મૂકી હતી. ત્યારે સંબંધી પાસેથી જાણવા મળ્યું કે, સાવન દરજી ડિપ્લોમાનો સ્ટુડન્ટ હતો અને આવતા મહિને અમેરિકા પણ જવાનો હતો. જોકે દુઃખદ વાત છે કે ભણવા માટે વિદેશ જાય તે પહેલાં જ દીકરો મોતને ભેટ્યો હતો અને પરિવારનો એકનો એક કુલદીપક બુઝાઈ ગયો હતો.
કલોલ અંબિકા બસ સ્ટેન્ડ ઉપર મુસાફરો પોતાનાં કામધંધા અર્થે વાહનની રાહ જોઈને ઊભા હતા. એ વખતે એક વાદળી કલરની એસ.ટી બસ રોડ પર ઊભી હતી. જેની આગળ મુસાફરો બસની રાહ જોઈને ઊભા રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવતી એક લક્ઝરી બસના ચાલકે પોતાની લક્ઝરી પૂરપાટ ઝડપે અને ગલતભરી રીતે હંકારીને વાદળી કલરની એસ.ટી બસને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે બસ એકદમ આગળ ધકેલાઈ ગઈ હતી. એ જ ઘડીએ ત્યાં ઊભેલા મુસાફરો ST બસની હડફેટે આવી ગયા હતા. આ વિચિત્ર અકસ્માતમાં ચાર મહિલા સહિત પાંચ મુસાફરોનાં સ્થળ પર કરુણ મોત નીપજ્યાં છે.
