
બે સપ્તાહ પહેલાં, એટલે કે 26 એપ્રિલના રોજ સવારના 8 વાગ્યે અમારા વિસ્તારમાં જે સુખી ડેમ આવેલો છે એમાંથી એક રાયપુર થઈને કેનાલ નીકળે છે. એમાં છોકરાની એક ડેડબોડી કેનાલમાં તરી રહી હોવાનો સ્થાનિકો અને સરપંચ દ્વારા મેસેજ મળે છે. આ મેસેજના આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચે છે, પરંતુ ડેડબોડીની ઓળખ થઈ શકી નહિ. સતત ત્રણ કલાક સુધી અમે ડેડબોડી કોની છે એ શોધવા અનેક પ્રયાસ કર્યા. આમ છતાં અમને કોઈ માહિતી મળી નહીં. ડેડબોડી મળવાના જે એન્ગલ હતા એ દૃષ્ટિએ મને એવું લાગ્યું આ સામાન્ય મૃત્યુ નથી, અકસ્માતે મોત છે પણ આપણે માની ન શકીએ. જ્યારે આ એક આત્મહત્યા હોય એ વાત ગળે ઊતરે એમ ડેડબોડીને જોતાં લાગતું નહોતું. આ શબ્દો છે જેતપુર(પાવી)ના PSI હરપાલસિંહ જેતાવતના.
PSI હરપાલસિંહ જેતાવતે દિવ્ય ભાસ્કર સાથે સમગ્ર કેસની શરૂઆતની વિગતો આપતાં કહે છે કે અમે ત્રણ કલાક પછી આ ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી. બીજી બાજુ, અમે અમારી તપાસ શરૂ કરી અને આ ડેડબોડી કોની છે એ શોધવા માટે ડેડબોડીના ફોટો અમારી અહીંની ગ્રામપંચાયતોના આગેવાનો, સરપંચો વગેરેના અલગ અલગ ગ્રુપ બનાવેલાં છે એમાં મૂક્યા. જેથી કરીને કદાચ કોઈ માહિતી મળી શકે અને અમને લગભગ એક જ કલાકમાં લગભગ 12 વાગ્યાની આસપાસ મેસેજ મળે છે કે સાહેબ આ ડેડબોડી મોટી દુમાલી ગામની છે અને તેનું નામ નિલેશ હરિજન (મૃતકના ભાઈ પ્રકાશભાઈએ કહ્યું કે અમારી સરનેમ હરિજન છે, જેથી દિવ્ય ભાસ્કરે આ શબ્દનો પ્રયોગ કર્યો છે) હોવાનું સામે આવે છે. મૃતક નિલેશ (ઉં.વ.27) છોટાઉદેપુર તાલુકાના મોટી દુમાલી ગામનો રહેવાસી હોવાની જાણ થાય છે અને પોલીસનો કોન્ટેક્ટ કરીને તેનો ભાઈ અહીં જેતપુર (પાવી) આવે છે.

‘અમે તેના ભાઈને ડેડબોડી બતાવી એટલે તેના ભાઈએ અમને કહ્યું કે ‘સાહેબ, આ મારો ભાઈ છે અને ગઈકાલનો ગાયબ હતો, 25 તારીખની સાંજથી તેનો ફોન સ્વિચ ઓફ આવે છે’. નિલેશના ભાઈએ કહ્યું કે ‘અમે બંને ભાઈ મારા ગામ મોટી દુમાલી ગામથી 5 કિલોમીટર દૂર આવેલા તેજગઢ ખાતે સલૂન ચલાવીએ છીએ, એ 25 એપ્રિલે ઘરેથી સાસરીમાં ગયો અને સાસરીમાંથી ઘરે આવે છે. પછી ઘરેથી દુકાને જાઉં છું એમ કહીને નીકળે છે. પરંતુ દુકાને પહોંચ્યો નથી, એટલામાં તેના ઘરવાળા દુકાને ફોન કરે છે કે ભાઈ નિલેશ આવ્યો છે? દુકાને ત્યારે નિલેશના ભાઈ પ્રકાશ કહે છે કે ‘ના તે અહીં નથી આવ્યો’. ત્યારે તેના ઘરનાં પરિવારજનો કહે છે કે ‘તે તો ક્યારનો અહીંથી દુકાને આવવા નીકળ્યો છે.’ ત્યાર બાદ પ્રકાશભાઈ એના ભાઈને ફોન લગાવે છે, અનેકવાર ફોન કરવા છતાં પણ તે ફોન ઉપાડતો નહોતો. ત્યાર પછી ફરી કલાક, બે કલાકે પ્રકાશભાઈ ફોન કરે છે ત્યારે ફોન સ્વિચ ઓફ આવે છે. આ રીતની હકીકત અમારી સામે આવી હતી અને ત્યાર બાદ આ સમગ્ર મામલે ઊંડી તપાસ શરૂ કરી.’
PSI હરપાલસિંહ જેતાવત આગળ કહે છે, સૌથી પહેલા આ કેસની તપાસ શરૂ કરી ત્યારે અમે એ જોયું કે ઘરેથી તે બાઈક લઈને નીકળ્યો હતો, પરંતુ જ્યાં નિલેશની ડેડબોડી મળી હતી એ જગ્યાએથી તેનું પલ્સર બાઈક ન મળી. અમે ઇન્ક્વાયરી કરાવીને ડેમમાંથી કેનાલમાં આવતું પાણી બંધ કરાવ્યું. જેથી જાણી શકાય કે કદાચ તેણે સુસાઇડ કર્યો હોય તો બાઈક કેનાલમાંથી મળી આવે, પાણી બંધ કરાવીને કેનાલમાં અમે બાઇક શોધી, પરંતુ બાઈક અમને મળી નહીં. તેની આજુબાજુ બીજી જગ્યાએ પણ અમે બાઈક શોધી છતાં ન મળ્યું. પછી તેના ભાઈએ અમને એક ફરિયાદ આપી. આ ફરિયાદમાં હકીકત જણાવી હતી એ પ્રમાણે ‘મારા ભાઈની એક ગર્લફ્રેન્ડ હતી, તેનું નામ છે જયા રાઠવા(ઉં.વ.27). જેતપુરની બાજુમાં પાલિયા નામનું ગામ છે, ત્યાંની રહેવાસી છે’. નિલેશના ભાઈ પ્રકાશે અમને કહ્યું હતું કે નિલેશનો ઘણાં વર્ષોથી આ જયા રાઠવા સાથે સંબંધ હતો અને એ જ બાબતે જેતપુરના રહેવાસી શ્રેયસ ઉર્ફે અપ્પુ સોની સાથે પણ પ્રેમસંબંધ હોવાથી મારા ભાઈને અમારી દુકાન પર ધમકી આપી હતી કે, ‘તું જયાને છોડી દે નહિતર હું તારા ટાંટિયા તોડી નાખીશ’.

‘ફરિયાદીના ભાઈએ અમને આ પ્રકારની હકીકત જણાવી એટલે અમે એ દિશામાં પણ તપાસ શરૂ કરી. ત્યાર બાદ મૃતક નિલેશના, છોકરી જયાના તેમજ શ્રેયસ સોની એમ આ ત્રણેયના અમે CDR(કોલ ડિટેઈલ રેકોર્ડ) રિપોર્ટ મગાવ્યા હતા. એ દરમિયાન અમને 30 એપ્રિલે બાતમીદારે એક માહિતી આપી કે ‘સાહેબ, એક વ્યક્તિએ બે દિવસ પહેલાં એક બાઈક આ જગ્યાએ પડેલી જોઈ હતી’. જેથી અમે એ જગ્યા પર પહોંચ્યા પણ અમને એ જગ્યાએથી બાઈક મળી નહીં, પરંતુ આજુબાજુ ચેક કર્યું તો કોરજ ગામ પાસે સીમમાંથી અમને સળગાવેલી હાલતમાં 30 એપ્રિલની મોડી રાત્રે એક બાઈક મળી આવી. આ બાઈકની નંબર પ્લેટના આધારે અમે નક્કી કર્યું કે આ જ નિલેશની બાઇક છે અને તેના ભાઈને પણ અમે જાણ કરી કે આ બાઈક ઓળખી બતાવો અને નિલેશના ભાઈએ પણ કહ્યું કે ‘સાહેબ, આ બાઈક મારા ભાઈની છે’. ત્યાર બાદ અમે તરત જ ત્યાં FSLને બોલાવીને પંચનામું કરાવ્યું અને ત્યારે અમારી શંકા પાક્કી થઈ ગઈ કે આ મર્ડર છે, આત્મહત્યા નહીં અને એને જ કારણે અમે તેની તપાસ મર્ડરના એંગલથી કરવા માંડ્યા.’
‘હવે અમારી તપાસ મર્ડરની દિશામાં હતી. અમે આ ત્રણેય લોકો નિલેશ, જયા રાઠવા અને શ્રેયસ ઉર્ફે અપ્પુ સોની(ઉં.વ.35)ના CDR મગાવ્યા હતા અને એ CDR અમારા હાથમાં આવ્યા. આ ત્રણેયનાં લોકેશન પાલસડા કોરજ ગામની સીમમાં, જ્યાંથી બાઇક સળગેલી હાલતમાં મળ્યું એ જગ્યાએથી મળી આવે છે. આમ, 25 એપ્રિલે ત્રણેયની હાજરી એક જ જગ્યાથી હોવાનું કન્ફર્મ થાય છે. જે જગ્યાએ સળગેલી બાઈક મલી હતી ત્યાંથી લગભગ 10 કિલોમીટર આગળ ડેડબોડી પણ મળી આવી હતી, રાયપુર કેનાલ રૂટ પરના બે ટાવર પર આ ત્રણેય જણાના એક જ જગ્યાના લોકેશન મળે છે. 25 તારીખે આ બનાવ બન્યો અને એ જ દિવસે જયા રાઠવાએ નિલેશને ઘણા બધા ફોન કરેલા છે અને CDRમાંથી અમને માલૂમ પડ્યું કે જયા સાથે વાતચીત થયા બાદ નિલેશ ઘરેથી નીકળ્યો. જયાએ તેને પાલસાડા કોરજ ગામની સીમમાં બોલાવ્યો હતો. એ જગ્યાએ અમને નિલેશ, શ્રેયસ અને જયા ત્રણેનાં લોકેશન મળી આવે છે, એટલે અમને ખાતરી થઈ ગઈ કે આ જ લોકોએ આ મર્ડરને અંજામ આપ્યો હોઇ શકે.’

’30 એપ્રિલે અમે છોકરી(જયા રાઠવા)નું લોકેશન કઢાવ્યું તો અમને તેનું બોમ્બેનું લોકેશન મળી આવે છે. જ્યારે શ્રેયસનું લોકેશન જેતપુર ટાઉનમાં જ મળી આવે છે, પરંતુ અમે તેને પકડતા નથી, તેની વોચમાં માણસો ગોઠવી દઈએ છે અને તેમની પર ધ્યાન રાખીએ છીએ. અમારે એ સમયે બીજું મર્ડર આવી જતા અમે એમાં રોકાયેલા હતા અને એ દરમિયાન એલસીબી અને SOGની ટીમ આ જયાનું મુંબઈમાં જે જગ્યાએ લોકેશન મળી આવ્યું હતું ત્યાં લેવા જાય છે અને એ દરમિયાન અમે જેતપુર ટાઉનમાંથી શ્રેયસ સોનીની પણ ધરપકડ કરીએ છીએ. શ્રેયસ તેની વાઈફ સાથે વડોદરામાં જમવા જતો હતો એ દરમિયાન અમે ધરપકડ કરી લીધી હતી. અમે તેની પૂછપરછ કરતા હતા, પરંતુ તે અમને ગોળ…ગોળ…ફેરવતો હતો. તેને ખબર પડી ગઈ કે છોડશે નહીં એટલે તેણે કહ્યું કે ‘સાહેબ, નશાની હાલતમાં ભૂલ થઈ ગઈ છે’ અને બીજી બાજુ જયા પણ હત્યા કરી હોવાનું કબૂલે છે.’
‘બંનેને સાથે રાખીને પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે જયા રાઠવાને આઠ વર્ષથી નિલેશ સાથે સંબંધ હતો. જેતપુર(પાવી)માં શ્રેયસ ઉર્ફે અપ્પુ સોની જ્વેલરીની દુકાન ધરાવે છે. 2021થી જયા રાઠવા અપ્પુની દુકાને નાનુંમોટું કામ કરતી અને અપ્પુએ તેને નોકરીએ રાખી લીધી હતી. બન્ને વચ્ચે મિત્રતા થઇ અને પછી પ્રેમસંબંધો બંધાયા હતા. તેમનો સંબંધ બે વર્ષથી ચાલતો હતો. જયા રાઠવા નિલેશને પણ પ્રેમ કરતી હતી. બંને કોઈ પ્રસંગે મળ્યાં હતાં અને ત્યાર બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જયાને નિલેશ સાથે લગ્ન કરવા હતા, પણ નિલેશ મેરિડ હોવાથી તેમજ છોકરી અલગ સમાજની હોવાથી તે તેની સાથે લગ્ન કરવાની મનાઈ કરતો હતો. છેલ્લાં બે વર્ષથી જયાને એક નોકરી દરમિયાન શ્રેયસ સાથે મુલાકાત થઈ હતી અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ પણ બંધાયો હતો. જેથી શ્રેયસ સોનીએ અનેક વાર નિલેશને ધમકી આપી હતી કે ‘તું જયા સાથે લગ્ન કરી લે અથવા તો તેને છોડી દે.’

’25 તારીખે જયા શ્રેયસ સોનીને ફોન કરીને કહે છે કે ‘તું આવને… મારે તને મળવું છે’. ત્યાર બાદ શ્રેયસ સોની જયાને મળવા માટે મોંઘી કાર લઈને જાય છે. જેતપુર ટાઉનથી 4 કિ.મી. ઉમરવાગામ ખાતે બંને મળે છે, ત્યાં જયાએ શ્રેયસને કહ્યું, ‘બીયર મગાવ. મારે બીયર પીવી છે’ એટલે આ બંને લોકો બીયર મગાવે છે. બંને સાથે બેસીને બીયર પીવે છે. ત્યાર બાદ વધારે બીયર મગાવે છે અને બંને ટલ્લી થઈ જાય છે. આ દરમિયાન નશામાં જયા શ્રેયસને વાત કરે છે કે પેલો મારી સાથે લગ્ન નથી કરતો, આમતેમ પછી શ્રેયસ સોની એમ કહે છે કે ‘તો તને કેટલા દિવસથી કહું છું કે હું તને પ્રેમ કરું છું. જો નિલેશ તને પ્રેમ કરતો હોય તો તારી જોડે મેરેજ કરી લે ને.’ ત્યારે જયા કહે છે કે ‘મારી સાથે લગ્ન કરવાની મનાઇ કરે છે’, નિલેશે લગ્નનાં બે-ત્રણ પ્રોમિસ તોડ્યાં છે. આ દરિમયાન જયાને ગુસ્સો આવે છે, ગુસ્સામાં જયા બોલે છે કે ‘મારે નિલેશને મારી નાખવો છે’. શ્રેયસ જયાને ઉશ્કેરીને કહે છે કે ‘તું ના કરી શકે.’ આમ ને તેમ ત્યારે જયાએ કહ્યું હતું કે ‘તું મને પ્રેમ કરતો હોય તો તું આવને મારી જોડે, બે જણા જઈને પાડી દઈએ,’ જેથી શ્રેયસ હા પાડે છે અને બંને જણા ગાડીમાં નીકળે છે.’
‘આ દરમિયાન જયા પહેલા નિલેશને ફોન કરે છે. આ જગ્યાએ મળવા આવ અને કોરજ ગામની સીમમાં નિલેશને મળવા બોલાવે છે. અગાઉ પણ આ લોકો અનેકવાર કોરજ ગામની સીમમાં મળી ચૂક્યાં હતાં, એટલે તેમનું મિટિંગ સ્થળ હતું, ત્યાં જ નિલેશને મળવા બોલાવે છે. એ જગ્યાએ પહોંચીને શ્રેયસ સોનીને જયા કહે છે, ‘તું સંતાઈ જા, નિલેશ જોશે તો માથાકૂટ થશે.’ જેથી શ્રેયસ એક બંધાઈ રહેલા મંદિરમાં સંતાઈ જાય છે અને એ દરમિયાન નિલેશ આવે છે. નિલેશ અને જયા રાઠવા શ્રેયસની ગાડીમાં બેસીને બીયર પીવે છે અને જયા કહે છે કે ‘તું મને ટલ્લાવે છે. તારી વાઇફને ઘરેથી કાઢી મૂકતો નથી અને મને અપનાવતો નથી.’ ત્યારે નિલેશે તેને કહ્યું કે ‘મારી હાલ સ્થિતિ નથી, તારું શ્રેયસ જોડે પણ અફેર છે.’ આમતેમ બોલે છે અને એ દરમિયાન શ્રેયસ સોની પણ ગાડીમાં આવી જાય છે. ત્યાર પછી શ્રેયસ સોનીને નિલેશ જુએ છે, એટલે ‘તું કેમ આવ્યો.’ આમ ને તેમ એમ કરીને ઝઘડો થાય છે.’
PSI હરપાલસિંહ જેતાવત હત્યા સમયે થયેલી વાતચીત અંગે કહે છે, ‘આ ઝઘડા દરમિયાન શ્રેયસ સોની નિલેશને કહે છે, તું લગ્ન કરી લે ને જયાને પ્રેમ કરતો હોય તો.’ ત્યારે નિલેશ જયાના કેરેક્ટર પર કોમેન્ટ કરે છે, જેને કારણે જયાને ગુસ્સો આવે છે અને તેને ઊંધો પાડીને જયા ગાડીના સીટબેલ્ટ વડે દબોચે છે. બીજી બાજુ, શ્રેયસ સોની હલી ના શકે એ માટે નિલેશના બંને હાથ પકડી રાખે છે. બંને હત્યા કરીને લાશને ઠેકાણે પાડવા માટે ખોરજ ગામની સીમમાંથી રાયપુર કેનાલનો રોડ પકડે છે. સૌપ્રથમ કેનાલમાં નિલેશનો મોબાઇલ કેનાલમાં નાખે છે અને થોડા આગળ જઈને તેનો મૃતદેહ પણ બંને ભેગા થઈને ગાડીમાંથી ઉતારી કેનાલમાં નાખી દે છે. જ્યાં નિલેશની હત્યા કરી અને જે કેનાલમાં લાશ નાખી એ સ્થળ વચ્ચેનું અંતર 10 કિલોમીટર જેટલું છે. ગભરાઈને આ લોકોએ મૃતદેહ નાખ્યો ખરો, પણ તેમણે જોયું નહોતું, જેના કારણે ડેડબોડી પાણીમાં હતી અને તેના પગના તળિયા બહાર રહી ગયા હતા. જો કોઈએ આત્મહત્યા કરી હોય તો આખું શરીર પાણીમાં હોય આ તેમની મોટી ભૂલ હતી.’

‘આ બંને હત્યા કર્યા બાદ જયા તેના વિસ્તારમાં જ કંઈ બન્યું ન હોય એ રીતે જ ફરતી હતી અને તેનો ફોન પણ ચાલુ હતો, પરંતુ જે દિવસે અમને બાઈક મળી એ દિવસે તેને ખબર પડે છે એટલે તે મુંબઈ ભાગી જાય છે. કોઈ લોકલ માણસે તેને માહિતી આપી હતી અને જેતપુર(પાવી)થી ટ્રાવેલ્સમાં મુંબઈ ગઈ હતી. બીજી બાજુ શ્રેયસ સોની તેના ઘરે જ હતો.’
મૃતક નિલેશના ભાઈ પ્રકાશભાઈએ જણાવ્યું કે હું અમારા પરિવાર સાથે મોટી દુમાલી ખાતે રહું છું અને મારો ભાઈ તેજગઢ ખાતે વાળની દુકાન ચલાવી છે. અમે પરિવારમાં ત્રણ ભાઈ છીએ, જેમાંથી સૌથી મોટો હું છું. મારાથી નાનો નિલેશ છે. મારો સૌથી નાનો ભાઈ જયેશ છે. અમારા બધા ભાઈનાં લગ્ન થઈ ગયાં છે, જેમાં નિલેશના લગ્ન આજથી નવેક વર્ષ પહેલાં ઘેલવાટ છોટાઉદેપુરના સુધાબેન સાથે થયા હતા..
પ્રકાશભાઈ આગળ કહે છે, 25 એપ્રિલ સાંજના આશરે ચાર વાગ્યે મારો ભાઈ નિલેશ તેની બાઈક લઈને અમારા ઘરેથી નીકળીને તેજગઢ જાઉં છું કેમ કહીને નીકળ્યો હતો, જોકે તે ઘરે ના આવતાં સાંજે સાત વાગ્યા આસપાસ ફોન કરતાં તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો, જેથી મેં મારા સગાંસંબંધીઓમાં નિલેશભાઈ તમારા ઘરે આવેલા છે કે કેમ એવું ફોન કરીને પૂછવાનું શરૂ કર્યું હતું. પરંતુ તેની કોઈપણ જગ્યાએ ભાળ મળી નહોતી, એ દિવસે રાત્રે હું મારા ઘરે જતો રહ્યો. બીજા દિવસે બપોરના આશરે 11:30 વાગ્યાના સમય મારા ફોઈના દીકરા સંજયનો મારા પર ફોન આવ્યો અને તેણે મને કહ્યું કે ‘રાયપુર ગામે કેનાલમાં પાણીમાં એક પુરુષની લાશ મળી આવી છે અને તું ઓળખવા માટે રાયપુર ગામે આવી જા,’ એવું કહેતાં હું બાઇક લઈને રાયપુર જવા નીકળ્યો હતો અને રસ્તામાં ડુંગરવાડ ગામ પાસે આ સંજયભાઈ તથા મારા ફુઆ કાદુભાઈ મને મળતાં અમે ત્રણેય જણાએ રાયપુર ગામે કેનાલ પાસે ગયા હતા. રાયપુર કેનાલ પાસે ગયા ત્યારે ત્યાં હાજર માણસે કહ્યું કે મૃતદેહને જેતપુર(પાવી) સરકારી દવાખાને લઈ ગયા છે. ત્યાર બાદ અમે ત્રણેય સરકારી દવાખાને પહોંચ્યા અને લાશ જોઈ તો મારા નાના ભાઈ નિલેશ મૃતદેહ હોવાની જાણ થઈ.
‘શ્રેયસ સોની બે મહિના પહેલાં મારી દુકાને આવ્યો હતો અને દુકાને આવીને તેણે પૂછ્યું કે ‘નિલેશ ક્યાં ગયો’ મેં કહ્યું કે નિલેશ નથી, ‘હું તેનો ભાઈ છું, શું હતું બોલો ?’ એટલે તેણે મને કહ્યું કે ‘તારા ભાઈને સમજાવી દેજે, તેના ટાંટિયા તોડી નાખીશ.’ જયા મારા ચારથી પાંચ લાખ રૂપિયા ખાઇ ગઈ છે. તારા ભાઈને કહેજે કે વચ્ચેથી હટી જાય, જો વચ્ચેથી નહીં હટે તો તારા ભાઈના ટાંટિયા તોડી નાખીશ તેમજ જાતિવિષયક શબ્દો બોલીને ગાળો આપી હતી. મેં મારા ભાઈને કહ્યું કે કોઈ શ્રેયસ સોની નામની વ્યક્તિ આવી હતી. એ ભાઈ દુકાને આવીને આવી રીતે ધમકી આપીને ગયો છે તો તારે શું છે એટલે મારા ભાઈ નિલેશે કહ્યું કે ‘મારે એવું કંઈ છે નહીં. હું તેને કોઈ દિવસ ફોન પણ નથી કરતો અને કશું નથી. તે મારી પાછળ પડી છે અને મને બ્લેકમેઇલ કરે છે’. તેનો ફોન ના ઉઠાવો તો એ ઘરે આવવાની વાત કરે, દુકાને આવી જાય, આવું કરે એટલે મારો ભાઈ મજબૂરીમાં કરતો હતો એવું મને કહેતો હતો. જયા નિલેશની પત્નીને પણ ધમકી આપતી હતી. નિલેશનો ફોન ચાર્જિંગમાં હોય કે પછી ઘરે પડ્યો હોય ત્યારે નિલેશની પત્ની ફોન ઉપાડે ત્યારે જયા તેમને કહેતી કે ‘તેં શું કરવા ફોન ઉપાડ્યો. તારે શું છે નિલેશ જોડે મારે રહેવું છે. તું નિલેશ જોડેથી જતી રહે. છોકરો હું રાખી લઈશ. તારા બાપાના ઘરે જતી રહે’ તેમજ ગાળો બોલતી હતી. ગાળો આપવામાં જયાનો પહેલો નંબર હતો. એક-બેવાર નહીં, પરંતુ બહુ સમયથી તેના ફોન આવતા હતા અને આ જ પ્રકારે ધમકી આપતી હતી.’
પ્રકાશભાઈ આગળ કહે છે, તેજગઢ પેટ્રોલ પંપની સામે પણ આ શ્રેયસ સોની અને મારા ભાઈ વચ્ચે ઝપાઝપી થઈ હતી. બીજા દિવસે કેટલાક કસ્ટમર આવ્યા હતા તેમણે કહ્યું હતું કે તારા ભાઈને કાલે બબાલ થઈ હતી. જયા પાછળ શ્રેયસ સોની ગાંડો હતો અને મારા ભાઈને મારવાની ફિરાકમાં જ હતો. જયાના ફોન આવતા હતા એટલે મેં મારા ભાઈને ઠપકો પણ આપ્યો હતો. મેં મારા ભાઈ નિલેશને કહ્યું હતું કે ‘તું આ બધું ભૂલી જા પેલો મારી નાખવાની ધમકી આપે છે’. મારો ભાઈ મને કહેતો હતો કે ‘હું ફોન નથી કરતો, પણ હું ફોન ના ઉપાડું તો તે મને બ્લેકમેઈલ કરે છે કે હું તારા ઘરે રહેવા આવી જઈશ, દુકાને આવી જઈશ’. ભાઈ તેના ત્રાસના કારણે ફોન સ્વિચ ઓફ રાખી દેતો હતો અને ફોન બંધ કરી દે એટલે દુકાને આંટો મારે. મારા ભાઈની આઠ વર્ષથી દુકાન છે, પણ હું મારા ભાઈ સાથે છેલ્લા એક-બે વર્ષથી કામ કરું છું.

જ્યારે મૃતક નિલેશની પત્ની સુધાબેને દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતં કે મારો ઘરવાળો તેની પાછળ નહોતો જતો. પરંતુ તે ફોન કરીને બોલાવતી હતી. જે દિવસે બનાવ બન્યો એ દિવસે પણ મારો ઘરવાળો મારી જોડે હતો અને તેનો ફોન આવ્યો એટલે આવું છું એમ કરીને તે નીકળી ગયો. 15 દિવસથી જયા મને પણ હેરાન કરતી હતી. તે કહેતી કે ‘તું તારા પપ્પાના ઘરે જતી રહે, હું તેની સાથે રહેવા આવું છું’. મેં તેને કહ્યું કે મારે ત્રણ મહિનાનો દીકરો છે, કેવી રીતે મારે ઘરે જવું? તેણે મને કહ્યું કે ‘ તેને હું રાખી લઈશ તું તારા ઘરે જતી રહે. જો તું નિલેશ જોડે રહીશ તો હું તને મારી નાખીશ અથવા તો નિલેશને મારી નાખીશ’. એટલે મને પણ આ રીતે ધમકી આપતી હતી. મારા નંબર પર પણ ફોન આવતા હતા અને નિલેશના નંબર પર પણ તે ફોન કરીને ધમકી અને ગાળો આપતી હતી. ‘મારો ઘરવાળો તેની પાછળ નથી પડ્યો, એ મારા ઘરવાળા પાછળ પડી હતી’. નિલેશને હું આ બાબતે પૂછતી તો તે મને કહેતા કે ‘હું નથી જતો તેની જોડે, તે જ મને ફોન કરી કરીને બોલાવે છે’.બે-ત્રણ વર્ષથી આ જયાના ફોન આવતા હતા.
હવે મારે કોના આધારે જીવવાનું સાહેબ બોલો?
‘અત્યારે મારે ત્રણ મહિનાનું છોકરું છે. સોની અને જયાએ મારા ઘરવાળાને આવી રીતે છેતરીને મારી નાખ્યો. અમારા આખા ઘરને નિલેશ દરરોજ 1000, 2000 લાવીને ખવડાવતો હતો. હવે મારે કોના આધારે જીવવાનું સાહેબ બોલો? મારા સસરા બીમાર છે, તેમને ત્રણ વખત એટેક આવેલા છે. તેમનાથી કોઈ કામધંધો થતો નથી. બધા ઘરના લોકો નિલેશ પર આધાર રાખીને જીવતા હતા, કારણ કે કમાવવાવાળી એક વ્યક્તિ જ હતી. મારા પતિના મોટા ભાઈ છે, તેઓ પણ મારા પતિ જોડે શીખવા જતા હતા. તેઓ પણ હજુ શીખી રહ્યા છે, હજુ બરાબર ફાવતું નથી એટલે અત્યારે અમારો કમાવવાનો આધાર જતો રહ્યો છે.’
પ્રણય ત્રિકોણનાં ત્રણેય પાત્રો પરિણીત
આ પ્રણય ત્રિકોણનાં ત્રણેય પાત્રોના પરિવાર અંગે વાત કરીએ તો નિલેશ પરિણીત છે અને તેને ત્રણ મહિનાનું બાળક છે તેમજ તે તેજગઢમાં સલૂન ચલાવતો હતો, જ્યારે શ્રેયસ સોની પણ પરિણીત છે અને તેને પણ બાળક છે. જ્યારે જયા રાઠવાના પણ લગ્ન થયા હતા, પરંતુ લગ્નના બે મહિના બાદ છૂટાછેડા થયા હતા. હાલ જયા પાલિયા ગામમાં તેના પરિવાર સાથે, જ્યારે નિલેશ મોટી દુબાલી અને શ્રેયસ સોની જેતપુર(પાવી)ના રહેવાસી છે.