
જામનગર શહેરના મધ્યમાં આવેલા અને માથાના દુખાવારૂપ બનેલા બર્ધન ચોક વિસ્તારમાં રેંકડા અને પથારાવાળાઓનો ત્રાસ અને હપ્તાખોરી કોઈ નવી વાત નથી. પરંતુ આ વખતે શાસક પક્ષના નેતાનો પુત્ર કથિત રીતે વેપારીને હાથમાં ધોકો લઈને ધમકાવતો હોવાનો વીડિયો સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. બીજી બાજુ આ વીડિયો બહાર આવ્યાની ગણતરીની કલાકોમાં નેતાઓની હાજરીમાં પોલીસે વેપારીને ફડાકાવાળી કર્યાનો બીજો વીડિયો સામે આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

જામનગર શહેરના બર્ધન ચોક વિસ્તારમાં રેંકડી અને પથારાવાળાઓનો ત્રાસ કોઈ નવી વાત નથી. વર્ષો જૂની આ સમસ્યા પોલીસ અને મહાનગરપાલિકા બંને સંયુક્ત રીતે પણ ઉકેલી શકી નથી. જેના માટે જવાબદાર છે ત્યાંની વ્યવસ્થિત રીતે ચાલતી હપ્તાખોરી ! આ હપ્તાખોરીના પૈસા એટલા દાઢે વળગ્યા છે કે તમામ તંત્ર, નેતા વગેરે તેમાં હાથ ધોઈ લે છે, હવે બર્ધન ચોક વિસ્તારમાં આવેલા એક કાપડના વેપારીને શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યાનો પુત્ર હાથમાં ધોકો લઈ રાડારાડી કરી ધમકાવતો હોવાનો વીડિયોસામે આવ્યો છે.
આ વીડિયો વાયરલ થવાના બે દિવસની અંદર જ શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા અને મેયર બીનાબેન કોઠારીની હાજરીમાં પીએસઆઈ આ વેપારીને ફડાકાવાળી કરતો હોવાનો વીડિયો બહાર આવ્યો છે. હવે વેપારીનો આક્ષેપ છે કે આ બધુ પૈસા માટે થઈ રહ્યું છે. જયારે નેતા કહે છે કે, દબાણ દૂર કરાવી છીએ એટલે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ બનાવે જામનગરના રાજકારણ અને તંત્રમાં સારી એવી ચકચાર જગાવી છે.
વેપારીએ મેં તેનું દબાણ દૂર કરાવ્યું એટલે તેને વીડિયો વાયરલ કર્યો, બાકી હું હપ્તા લઉં અને ફરિયાદ પણ કરું તે શક્ય થોડું છે. હું ત્યાં રહું છું ત્યાં ચાલી શકાય તેમ નથી. રેંકડી-પથારાવાળાઓનો ત્રાસ છે. 15 વર્ષ સુધી સહન કર્યું, હવે નહીં કરું. – કુસુમબેન પંડ્યા, શાસક પક્ષના નેતા, જામ્યુકો.
બર્ધન ચોકમાં વર્ષોથી આ પરિસ્થિતિ છે. અમૂક તત્વો હપ્તા લે છે એટલે તો આ ચાલુ છે. વેપારીને ફડાકો મારવો તે આ લોકોનો સત્તાનો નશો દેખાડે છે. આ લોકોનું સૂત્ર છે કે, ‘ગરીબી નહીં ગરીબ માણસોને જ હટાવો’ – ધવલ નંદા, નેતા, વિરોધ પક્ષ, જામ્યુકો.
પથારાવાળાનો એક ઓડિયો વાયરલ થયો છે જેમાં તે કહે છે કે, ત્રિકમ બેચરની ગોળાઈ અને ચાંદી બજારની આજુબાજુ પથારાવાળા જે બેસે છે તે કોઈ કોર્પોરેટરના સગા છે. એક ટકો જાડીયા જેવો માણસ પૈસા ઉઘરાવે છે. જેવા પથારા તેવા પૈસા લેવામાં આવે છે. આ પછી મેઈન રોડ ઉપરના પથારાના પૈસા પોલીસ તથા અન્ય લોકો ઉઘરાવે છે.