
જૂનાગઢ-રાજકોટ હાઈવે પર નશો કરેલી એક યુવતી રસ્તાની વચ્ચે આવીને સૂઈ જતા વાહનચાલકોના જીવ પડીકે બંધાયા હતા. રસ્તા પર લથડીયા ખાતી યુવતી બેફામ વાણીવિલાસ કરતા જોવા મળી હતી. થોડીવાર માટે જાહેરમાં તમાશો ચાલ્યા બાદ પોલીસ આવી જતા યુવતીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

યુવતીનો લથડીયા ખાતો વીડિયો વાઈરલ
જૂનાગઢ-રાજકોટ હાઈવે પર આજે બપોરના સમયે એક યુવતી લથડિયા ખાતી જોવા મળી હતી. નશાની હાલતમાં યુવતી બેફામ વાણીવિલાસ કરી રહી હતી અને હાઈવેની વચ્ચોવચ્ચો સૂઈ ગઈ હતી. જેના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોના જીવ પડીકે બંધાયા હતા. કેટલાક લોકો યુવતીને સમજાવવા ગયા તો યુવતીએ તેની સાથે પણ ગેરવર્તણૂંક કરતા જોવા મળી હતી.

યુવતીએ રાહદારીઓને અપશબ્દો કહ્યા
નશાની હાલતમાં જે યુવતીનો વીડિયો વાઈરલ થયો છે. તેમાં કેટલાક રાહદારીઓ યુવતીને પૂછી રહ્યા છે કે કોણે પીવડાવ્યો? ત્યારે યુવતી જવાબ આપતા કહે છે કે ‘તારા ભાઈએ’. સાથે હું એવી છું?નું વારંવાર રટણ કરતા પણ જોવા મળી હતી. આ યુવતી ધોરાજીની રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

યુવતીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી
જૂનાગઢ-રાજકોટ હાઈવે પર એક યુવતી નશાની હાલતમાં તમાશો કરી રહી હોવાની જાણ થતા જ જૂનાગઢ તાલુકા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી યુવતીને પોલીસ સ્ટેશન લઈ જઈ તેની પૂછપરછ હાથ ધરી છે.