
જામનગર-ખંભાળિયા હાઈવે પર બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અક્સમાતમાં ચાર લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ લોકો ઘાયલ થતા સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે. મોરબીનો સતવારા પરિવાર પોતાના પુત્રની સગાઈ કરવા માટે આજે ખંભાળિયા ગયો હતો. ત્યાં સગાઈ કરી પરત ફરી રહ્યો હતો ત્યારે જ ખટિયા ગામના પાટિયા પાસે સામેથી આવી રહેલી એક અન્ય કાર સાથે ટક્કર થતા જેની આજે સગાઈ હતી તે યુવક સહિત ચાર લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે.

મળતી પ્રાથમિક માહિતી મુજબ મોરબીનો સતવારા પરિવાર આજે પોતાના પુત્ર ચેતન ખાણધરની સગાઈ માટે ખંભાળિયા ગયો હતો. ત્યાં સગાઈ વિધિ પૂર્ણ કર્યા બાદ સ્વીફટ કારમાં સવાર થઈ પરત મોરબી તરફ જઈ રહ્યો હતો ત્યારે જામનગર-ખંભાળિયા હાઈવે પર ખટિયા ગામના પાટિયા પાસે સામેથી આવી રહેલી ફોક્સવેગન કાર ડિવાઈડર કૂદી સ્વીફ્ટ કાર સાથે ટકરાઈ હતી. જેના કારણે સ્વીફ્ટ કારના ફૂરચે ફૂરચા નીકળી ગયા હતા.

કારમાં સવાર ચેતન ખાણધર( જેની આજે સગાઈ હતી), મનીષાબેન, રીનાબેન ખાણધર અને અન્ય એક વ્યકિત મળી કુલ ચાર લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે જામનગર જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.