ભારત 26 મી જાન્યુઆરી 2021 ના રોજ પોતાનો 72 મો ગણતંત્ર દિવસ ઉજવશે. વર્ષ 1950 માં આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું. પ્રજાસત્તાક દિન નિમિત્તે અનેક જગ્યાએ ત્રિરંગો લહેરાવવામાં આવે છે. ભારતની આન બાન અને શાન પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાના કેટલાક નિયમો છે, જે ગૃહ મંત્રાલય દ્વારા ઘડવામાં આવ્યા છે. ઘણા લોકો તેનાથી અજાણ હશે. તો ચલો આજે અમે તમને રાષ્ટ્રધ્વજ ફરકાવવાના કેટલાક નિયમો વિશે જણાવીએ જેનું પાલન કરવું આવશ્યક છે.

ગૃહ મંત્રાલયે ભારતની ધ્વજ સંહિતાની રૂપરેખા આપી છે, જેમાં રાષ્ટ્રધ્વજના ઉપયોગને લગતી કેટલીક માર્ગદર્શિકા સામેલ છે. ત્રિરંગો લહેરાવવાના તમામ નિયમો ઔપચારિકતાઓ અને સૂચનોને ‘ભારતીય ધ્વજ સંહિતા – 2002’ માં એક સાથે દર્શવવામાં આવ્યા છે. રાષ્ટ્રધ્વજ માટે અપાયેલી આચારસંહિતાનું પાલન કરવું આપણા બધાની ફરજ છે. તમારા હાથમાં ત્રિરંગો લેતા પહેલા તમારે તેનું મૂલ્ય સમજવું જોઈએ. સાથે તમારે આ નિયમો વિશે પણ જાણવું જોઈએ, નહીં તો તમારે જેલમાં જવું પડશે …

રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો રાજ્યના કર્મચારીઓ, કેન્દ્રીય કર્મચારીઓ, પોલીસ, સૈન્ય અને અર્ધ સૈન્ય દળોના શહીદોના મૃતદેહોને લપેટવા માટે વાપરી શકાય છે. પરંતુ તમે સુશોભન માટે ત્રિરંગાનો ઉપયોગ કરી શકતા નથી. આ ઉપરાંત તેનો ઉપયોગ બીજી કોઈપણ રીતે કરી શકાતો નથી.
ટ્રેન,ગાડી અને બોટને ઢાંકવા માટે ત્રિરંગાનો ઉપયોગ કરી શકાતો નથી. ત્રિરંગાનો ઉપયોગ ઘરના કોઈપણ પડદા અથવા અન્ય કોઈ કામ માટે કરી શકાતો નથી. રાષ્ટ્રધ્વજ પર કંઈપણ લખવા અથવા છાપવા પર પ્રતિબંધ છે. તે કોઈ પણ પ્રકારની જાહેરાતમાં વાપરી શકાતો નથી. તમે તમારી કોપી, બુક અથવા કંઈપણમાં કવર તરીકે ત્રિરંગાનો ઉપયોગ કરી શકતા નથી.

ત્રિરંગો ફરકાવવાની પ્રક્રિયા દરમિયાન, ત્યાં હાજર દરેકને ત્રિરંગાની સામે સાવધાનની સ્થિતિમાં ઉભા રહેવું અને ત્રિરંગાંને સલામી આપવી જોઈએ. ખાસ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, ત્રિરંગો ક્યારેય પણ જમીનને સ્પર્શવો જોઈએ નહીં. તેમજ ત્રિરંગા પર કંઈપણ લખવાની સખત મનાઇ છે.
કોઈ પણ સંજોગોમાં ત્રિરંગાનું અપમાન ન કરવું જોઈએ. ત્રિરંગાનો કોઈ ભાગ ફાટવો ન જોઈએ. રાષ્ટ્રધ્વજ એટલે કે ત્રિરંગા ઉપર અથવા તેની બરાબરી પર અન્ય કોઈ પણ ઝંડો મૂકવો જોઈએ નહીં. આ ઉપરાંત ધ્વજ પર ફૂલ, માળા, પ્રતીક અથવા કોઈ અન્ય વસ્તુ મૂકવી જોઈએ નહીં. ત્રિરંગો લહેરાવતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ,ત્રિરંગો હંમેશા સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ફરકાવવો જોઈએ.