જે રીતે વૈજ્ઞાનિકો પોતાની અલગ અલગ શોધ કરી દુનિયાની સામે લાવતા હોય છે. તે જ રીતે ખેડૂતો પણ કંઈક અલગને અલગ ખેતી કરીને લોકો સામે અનાજ કે ફળ-ફુલ લાવતા હોય છે. ત્યારે હવે માર્કેટમાં એક નવા ઘઉંની પ્રજાતી જોવા મળી છે. જેનું નામ છે કાળા ઘઉં. કાળા ઘઉંનું નામ સાંભળીને તમે ચોંકી ગયા હશો. કાળા ઘઉંની ખેતી આજકાલ ખેડૂતો માટે સામાન્ય ઘઉંની ખેતીથી ત્રણથી ચાર ગણી ફાયદાકારક બની ગઈ છે. જેથી હવે યુપી બિહારના ખેડૂતો કાળા રંગના ઘઉંની ખેતી તરફ વળ્યાં છે.
આ ઘઉંની પેટન્ટ નાબીના નામે છે
પંજાબ પછી હવે ઉતર પ્રદેશના કેટલાક જીલ્લાઓના ખેડૂતો કાળા ઘઉંની ખેતી કરીને તગડી કમાણી કરી રહ્યા છે. બજારમાં કાળા ઘઉં ચારથી છહજાર રૂપિયા પ્રતિ કિવન્ટલના ભાવે વેચાય છે. જ્યારે સામાન્ય ઘઉંની એમ એસપી 1975 રૂપિયા પ્રતિ કિવન્ટલ છે. આ સાથે જ વૈજ્ઞાનિકોનો દાવો છે કે કાળા ઘઉં સામાન્ય ઘઉં કરતા વધારે પૌષ્ટિક છે અને તે 12 રોગોમાં ફાયદાકારક છે. નેશનલ એગ્રી ફુડ બાયોટેકનોલોજી ઇન્સ્ટીટયુટ મોહાલીએ આ ઘઉં સંશોધિત કર્યા છે. આ ઘઉંની પેટન્ટ નાબીના નામે છે અને તેનું નામ નાબી એમજી રખાયું છે. તેનુ સંશોધન કૃષિ વૈજ્ઞાનિક ડો.મોનિકા ગર્ગે કર્યું છે.

કાળા ઘઉંની ડિમાન્ડ વધી
મધ્યપ્રદેશના ધાર જિલ્લા સિરસૌદા ગામના ખેડૂત વિનોદ ચૌહાણએ પોતાની 20 વીઘા જમીનમાં કાળા ઘઉં ની ખેતી કરી હતી. જ્યારે પાક આવ્યો તો તેના ખુશીઓનો પાર ન રહ્યો કારણ કે વિનોદ પાસે ખૂબ દુર્લભ ગણવામાં આવતા કાળા ઘઉં ને ખરીદનાર લોકોને બહાર રાજ્યોમાંથી ડિમાન્ડ આવી રહી હતી. સિરસૌદાનો આ ખેડૂત આ દિવસોમાં ન ફક્ત ઉત્સાહિત છે પરંતુ તેણે કાળા ઘઉં ની ખેતી અન્ય ખેડૂતો પણ કરે તેના માટે પ્રેરણા પણ આપી રહ્યો છે.
કાળા ઘઉંમાં સામાન્ય ઘઉં કરતા વધુ પોષક તત્વો
ડો. મોનિકા ગર્ગ જણાવે છે કે સામાન્ય ઘઉંમાં પિગમેન્ટનું પ્રમાણ 5થી 15 પીપીએમ વચ્ચે હોય છે. પરંતુ કાળા ઘઉંમાં તેનું પ્રમાણ 100થી 200 પીપીએમ હોય છે. કાળા ઘઉંમાં સમાન્ય ઘઉંની સરખામણીમાં 60 ટકા વધુ આયર્ન હોય છે. ઝીંકનું પ્રમાણ પણ થોડું વધારે હોય છે જો કે પ્રોટીન, સ્ટાર્ચ, અને અન્ય પોષક તત્વો લગભગ સરખા જ હોય છે.

આ રોગો પર કાબૂ મેળવી શકશો
કાળા ઘઉં પોતાની એન્ટી ઓક્સીડન્ટ ખુબીઓના કારણે 12 રોગોમાં ફાયદા કારક છે. જેમાં કેન્સર, ડાયાબીટીસ, સ્થુળતા, કોલેસ્ટોલ, હૃદયરોગ, ડીપ્રેશન વગેરે સામેલ છે. કાળા ઘઉં પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. જેમાં પારંપરિક ઘઉંની સરખામણીએ કાર્બોહાઈડ્રેટ, વિટામિન, ઝિંક, પોટાશ, આયરન અને ફાઈબર જેવા તત્વો બમણા પ્રમાણમાં હોય છે. વૈજ્ઞાનિકો તો ત્યાં સુધી કહે છે કે આના સેવનથી ડાયાબિટીસ અને કેન્સર સામે લડવાની ક્ષમતા વધશે. આ ઘઉંની રોટલી ખાવાથી સ્થૂળતા ઘટશે અને એસિડિટીથી મુક્તિ પણ મળી જશે.
કાળા રંગના ઘઉંની રોટલી બનશે બ્રાઉન કલરની
કાળા ઘઉંમાં એન્થોસાએનિન નામના પિગમેન્ટ હોય છે. સામાન્ય ઘઉં એન્થોસાએનિનું પ્રમાણ માત્ર પાંચ પીપીએમ હોય છે પણ કાળા ઘઉંમાં તે 100થી 200 પીપીએમ આસપાસ હોય છે. એન્થોસાએનિન ઉપરાંત કાળા ઘઉંમાં ઝિંક અને આયરના પ્રમાણમાં ફેરફાર હોય છે. ત્યારે કાળા રંગના ઘઉંની રોટલી બનશે બ્રાઉન કલરની બનશે.