બોલિવૂડ એક્ટ્રેસ અને અનુભવી સ્પિનર હરભજન સિંહની પત્ની બસરા આજે 37 વર્ષની થઈ ગઈ છે. 13 માર્ચ 1984માં જન્મેલી ગીતા બસેરાએ 2015માં હરભજનસિંહ સાથે લગ્ન કર્યાં હતાં. હરભજનસિંહ અને ગીતા બસરાના લગ્નને 6 વર્ષ થઈ ગયા છે. તેઓ હવે એક પુત્રીના માતા-પિતા બની ચૂક્યા છે. તેમની પુત્રીનું નામ તેઓએ હિનાયા હીર પ્લાહા રાખ્યું છે. આ કપલની પ્રેમ કહાની ઘણી રસપ્રદ છે. ભજ્જી ગીતાને જોઈને જ ક્લીન બોલ્ડ થઈ ગયા હતા. તેમને ગીતા સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હતો

ગીતાએ 3-4 દિવસ સુધી મેસેજનો રિપ્લાય કર્યો ન હતો
હરભરજનસિંહે ગીતાને એક વીડિયોમાં જોઈ હતી. જે બાદ તેઓ તેના પર ફિદા થઈ ગયા હતા. જેથી તેને ક્રિકેટ મિત્રો પાસેથી 10 મહિનાની મહેનત બાદ ગીતાનો નંબર મેળવ્યો હતો. જે બાદ ગીતાને મેસેજ કર્યો હતો. પણ ગીતાએ 3-4 દિવસ સુધી તો કોઈ જવાબ આપ્યો ન હતો. જો કે 3-4 દિવસ પછી ગીતાએ મેસેજને રિપ્લાય કર્યો હતો. જે બાદ બંનેની મિત્રતા થઈ હતી. ભજ્જી અને ગીતાએ એક બીજાને 8 વર્ષ સુધી ડેટ કર્યા હતાં.

રિસેપ્શનમાં મોદી અને મનમોહનસિંઘ જોડાયા હતા
ગીતાએ કહ્યું કે, તે તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતી હતી તેથી તેણી ઝડપથી લગ્ન કરવા તૈયાર ન હોંતી. આખરે બંને 29 ઓક્ટોબર 2015નાં રોજ લગ્ન માટે સહમત થયા હતા અને શીખ રિવાજો મુજબ લગ્નગ્રંથીથી જોડાયા હતા. લગ્ન બાદ એક ભવ્ય રિસેપ્શન પાર્ટી પણ આપી હતી. જેમાં નરેન્દ્ર મોદી અને મનમોહનસિંઘ જોડાયા હતા. ત્યારબાદ 27 જુલાઈ 2017ના રોજ તેના ઘરે એક પુત્રીએ જન્મ લીધો હતો.

બન્ને અફેરના સમાચારનો ઇન્કાર કરતા હતા
ક્રિકેટર હરભજન સિંહની પત્ની ગીતા બસરા પોતાના 37માં જન્મ દિવસની ઉજવણી કરી રહી છે. ગીતાનો જન્મ બ્રિટનમાં થયો પરંતુ તેને એક્ટિંગ કારકિર્દી બોલિવુડમાં બનાવી હતી. ગીતા બસરા પોતાની એક્ટિંગ કારકિર્દીથી વધુ ક્રિકેટરને ડેટ કરવાને લઇને ચર્ચામાં રહી હતી. બન્નેનું અફેર આશરે 8 વર્ષ સુધી ચાલ્યુ હતું. 2008માં બન્નેની કેટલીક સીક્રેટ મીટિંગની ન્યૂઝ ચર્ચામાં આવ્યાં હતાં. જો કે બન્ને અફેરના સમાચારનો ઇન્કાર કરતા હતા. જે દરમિયાન ગીતા અને હરભજન એક ફિફા વર્લ્ડકપમાં સાથે જોવા પહોંચ્યાં હતા.

ગીતાએ 2006માં કેરિયરની શરૂઆત કરી હતી
ગીતા બસરાએ બોલિવુડમાં પોતાની કારકેદીની શરૂઆત 2006માં ફિલ્મ ‘દિલ દિયા હે’થી શરૂ કરી હતી. જો કે તેને બોલિવુડમાં વધુ સફળતા મળી ન હતી. 2006થી 2016 વચ્ચે તેની માત્ર 7 ફિલ્મો જ આવી હતી. જેમાં એક પંજાબી ફિલ્મ પણ શામેલ છે. તેની અંતિમ બોલિવુડ ફિલ્મ 2015માં ‘સેકન્ડ હેન્ડ હસબન્ડ’ આવી હતી. હાલ ગીતા બસરા અભિનયથી દૂર છે.