ગુજરાતમાં પોલીસવાલા ગુંડાઓનું રાજ: આવું કહેવું તો ન જોઈએ પરંતુ એક દિવસ પહેલા જ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં એક પોલીસકર્મીએ માસ્ક ન પહેરવાની બાબતે મહિલાને માર માર્યો હતો. જે ઘટનાની હજૂ તો તપાસ સોંપાઈ છે કે, ત્યાં આ તરફ મહિસાગરના સંતરામપુરમાં પોલીસ ટોળકીની ગુંડાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. ગુંડાગીરી પણ એવી કે, પોલીસે એક ડોક્ટરને તો તેની હોસ્પિટલમાંથી બહાર કાઢી પાઈપો વળે ઢોર માર માર્યો જ. પરંતુ તેની સાથે-સાથે ડોક્ટરના ઘરે જઈને તેના બાળકને પણ છીનવવાની કોશીશ કરી અને તેના ઘરની બારીઓના કાચ પણ તોડ્યા.
હોસ્પિટલમાંથી કાઢી ડોક્ટરને માર માર્યો
તમે ખુદ વીડિયો જોશો તો પોલીસવાળા ગુંડાઓની તે ગુંડાગીરી ભરી તસવીર જોઈ શકશો. જેમાં ડોક્ટરને તેની હોસ્પિટલમાંથી બહાર કાઢીને પાઈપો અને દંડાઓ વડે બેફામ રીતે માર મારવામાં આવી રહ્યો છે. વીડિયો ઉતારનારા લોકો પણ આ મારામારીને જોઈને ડરી જાય છે. તો અંદાજ લગાવી શકો છો કે, કેટલી બેરહેમીથી હુમલો કર્યો હશે.
ડોક્ટરના ઘરે પણ તોડફોટ
ડોક્ટરને તો માર માર્યો જ પરંતુ પોલીસનું એક ટોળું ડોક્ટરના ઘરે પણ પહોંચી ગયું હતું. જ્યાં તેમની પત્ની પાસેથી બાળક છીનવવા માટે ઘરનો દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો. જ્યારે ડોક્ટરના પત્નીએ દરવાજો ન ખોલ્યો તો ઘરની બાકીઓના કાચ તોડી નાખ્યા અને અભદ્ર ગાળો આપી.
આવી છે ડોક્ટરની વેદના
જ્યારે અમારી ટીમે ડોક્ટર સાથે વાત કરી તો ડોક્ટર રણજિતસિંહ જણાવે છે કે, સંતરામ નગરપાલિકામાં ગટરની વ્યવસ્થા ન હોવાના કારણે, અમારો સોસ ખાડો ભરાઈ જતો હતો. આ માટે અમે નવો સોસ ખાડો બનાવવાની કામગીરી ચાલું હતી. આ બાબતને લઈને સંતરામપુરના ટ્રાફિક પોલીસ ઈન્સપેક્ટર માચી સાહેબ અને પોલીસ ઈન્સપેક્ટર પટેલ સાહેબ આવ્યા અને મને નીચે બોલાવ્યો. હું નીચે ગયો તો મને સીધી જ ગાળો બોલી અને કહ્યું તે તારી વિરુદ્ધ FIR થઈ છે. એવું બોલીને મને ગાડીમાં ખેંચવા માંડ્યા. જે પછી મે કહ્યું સાહેબ પહેલા તમે મને વોરંટ આપો. તો તેમણે કહ્યું તું મારી પાસે વોરંટ માગે છે તેવું કહીને મને બરહેમી પૂર્વક માર માર્યો. મારો મોબાઈલ છીનવી લીધો. હું ભાગીને હોસ્પિટલમાં આવતો રહ્યો તો મારા સહકર્મી ડોક્ટરને ઉઠાવી ગયા. અને મારા ઘરે જઈને મારું બાળક છીનવવાનો પ્રયાસ કર્યો. સાથે જ મારી પત્નીને પણ ગાળો આપી અને ઘરના કાચ તોડી નાખ્યા.
શું આ છે ગુજરાતની પોલીસ?
સવાલ અહીં એ થાય છે કે, સંતરામપુર પોલીસ અને ટ્રાફિક પોલીસના જવાનોને માર મારવાનો પરવાનો કોણે આપ્યો? એક ડોક્ટર અને એક મહિલાને માર મારવાની જરૂર શું પડી પોલીસને? FIR થઈ હતી તો વોરંટ કેમ ન આપ્યો? શું પૈસા પડાવવા માટે આવી રીતે ગુંડાની જેમ દમન ગુજારશો? ડોક્ટરના ઘરે જઈને કેમ તોડફોડ કરી? કેમ ડોક્ટરના બાળકને છીનવવાનો પ્રયાસ કર્યો? એક પોલીસકર્મી મહિલાને માર મારે તો તેને શું સજા મળવી જોઈએ?
કોણ હતા બે પોલીસ અધિકારીઓ જેને આ રીતે હુમલો કર્યો? પોલીસ જ ગુંડાજેવું કામ કરશે તો સામાન્ય નાગરિક શું શીખશે? શું રાજ્ય સરકાર ગુંડાએક્ટ આ પોલીવાળા ગુંડાઓ પર લાગું કરશે? શું રાજ્યના ગૃહમંત્રી અને DGP કાઢશે આવા પોલીસકર્મીઓને નોકરીમાંથી?
હવે તો જનતાને ધીમેધીમે કાયદા પરથી વિશ્વાસ જ ઉઠી જવાનો છે. સાથે જ આ સરકારની નીતિઓ પરથી પણ. કારણ કે, જનતાની રક્ષા માટે જેને જનતાના પૈસે નોકરીએ રાખવામાં આવ્યા છે. તેઓ હવે પૈસા અને તોડપાણી માટે આવી રીતે લોકો પર દમન ગુજારવા મંડ્યા છે. તેવામાં જોવાનું એ રહેશે કે, આવા કર્મીઓ સામે કોઈ પગલા લેવાય છે કે, પછી જનતા પર આવા તત્વો દમન ગુજારતા રહેશે.