
ભુજ તાલુકાના દુર્ગમ એવા ખાવડા ગામની આશાસ્પદ છાત્રાએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ગત માર્ચ માસમાં લેવાયેલો SSCની પરીક્ષા આનંદ અને આત્મવિશ્વાસ સાથે આપી હતી. અંતરિયાળ વિસ્તાતમાં રહી તેણે ઉજળા ભવિષ્યના સ્વપ્ન સાથે તમામ પ્રશ્નપત્ર આપી ખુશાલી વ્યક્ત કરી હતી. પરિવારની લાડલી શહેનાઝની ખુશી પણ વ્યાજબી હતી કારણ કે આજે જાહેર થયેલા SSCની પરીક્ષાના પરિણામમાં તે સારા માર્ક સાથે ઉત્તીર્ણ થઈ છે. એટલુંજ નહિ શાળામાં તે ત્રીજા ક્રમાંકે પણ આવી છે. પરંતુ માલિકને કંઇક બીજું જ પસંદ હશે કે આ ખુશીની ઉજવણી કરવા પરિવારની પ્યારી શહેનાઝ હયાત નથી. કોણે વિચાર્યું હશે કે શાળામાં યોજાયેલા વિદાય સમારંભ બાદ તે કાયમ માટે વિદા થઈ જશે.

આજે ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. તેમાં જિલ્લાની છેવાડે આવેલું સરહદી ખાવડા કેન્દ્રનું પરિણામ 66 ટકા આવ્યું છે. જે ખુબજ સારી વાત કહી શકાય પરંતુ તેમાં ખાવડા ગામની અને જામ પુનરીયા ગામની માધ્યમિક શાળાની છાત્રા શહેનાઝ મહંમદ સમાં આજે તેનું પરિણામ જોવા હયાત નથી રહી. આ વિશે ખાવડાના શિક્ષક સતાજી સમાએ જણાવ્યુ કે 60.5 ટકા સાથે ઉત્તીર્ણ થયેલી શહેનાઝ શાળામાં ટોપ થ્રિમાં સામેલ થઈ છે. અંતરિયાળ વિસ્તારમાં કે જ્યાં કન્યા શિક્ષણનું પ્રમાણ નહિવત છે એવા સ્થળેથી અભ્યાસ કરતી છાત્રાને પરીક્ષાના એક માસ બાદ સખત તાવ આવ્યો અને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાઈ, જ્યાં તેના નિદાન બાદ ડેંગ્યુની સારવાર ચાલી, આ દરમિયાન શહેનાઝને 16 બોટલ રક્ત ચડાવવામાં આવ્યું હતું પરંતુ તેનો જીવ બચાવી શકાયો ના હતો. જોકે આજે SSCમાં પાસ થયેલી દીકરી પ્રત્યે ભૂજ ખાવડા લોકલ લકઝરી બસ ચલાવતા પિતાએ નમઃ આંખો સાથે લાડકવાઈની તસ્વીર સામે પરિણામ પત્ર મૂકી પુત્રીને બિરદાવી હતી.