
જો માત્ર 9 વર્ષની ઉંમરમાં જ એક અકસ્માતને કારણે કોઈએ બન્ને હાથ અને એક પગ ગુમાવવા પડે તો શું કરે? કેવી રીતે ભણી શકે? દિનચર્યાનાં કામો કેવી રીતે કરવાં? આ તમામ પ્રકારના સવાલો ઊભા થાય. પરંતુ બન્ને હાથ અને એક પગ ન હોવા છતાં જો કોઈ ગાયો દોહવાથી લઈ 60 કિલોની બોરી ઊંચકી શકે, ઘોડેસવારી કરે તો તેને શું કહેવાય? તેને લોખંડી મનોબળ ધરાવતી વ્યક્તિ જ કહી શકાય.

વિખ્યાત ફિલ્મ અને સોંગ રાઇટર જાવેદ અખ્તરના આ શબ્દો વિશાલ રાજપૂત નામના યુવાન પર એકદમ ફિટ બેસે છે. મોરબી જિલ્લાના હળવદ તાલુકાનો વિશાલ રાજપૂત ખરેખર ફાઇટર છે અને ફાઇટર હંમેશાં જીતતા હૈ અને તેઓ પણ જિંદગીની જંગમાં કોઈપણ સંજોગોમાં જીતતા આવ્યા છે. ફાઇટર યુવા એના વિશાલ રાજપૂતના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક જ મહિનામાં 1 લાખ 35 હજાર ફોલોઅર્સ બની ગયા છે. જ્યારે તેમના એક વીડિયોમાં 25000થી વધુ સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટ્સ કરી છે અને ડાન્સના એક વીડિયોને 30 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

વિશાલ રાજપૂતે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારું નામ વિશાલ રાજપૂત છે, જ્યારે ઘરમાં મારે એક નાની બહેન અને મમ્મી છે. હાલ હું હળવદ તાલુકાના માથક ગામે મારા બે મામા અને નાની તથા અન્ય પરિવારજનો સાથે રહું છું. હું નાનપણથી જ ખૂબ જ તોફાની હતો અને 2012માં હું નવ વર્ષનો હતો ત્યારે એક પતંગ પકડવા જતા મને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. જેથી મને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં કોણીએથી મારા બંને હાથ અને એક પગ ઢીંચણથી કપાવવા પડ્યા હતા. તેની સાથે સાથે મેરાથોન સર્જરી પણ કરવામાં આવી હતી. શરૂઆતમાં તો હું આ ઘટનાથી હું નાસીપાસ થઇ ગયો હતો. જો કે આ સમયે નાની ઉંમરને કારણે બે હાથ અને એક પગ ન હોવાની બહુ ખબર પડતી નહોતી. પરંતુ પછી ઉંમર વધતાં મેં હિંમત હાર્યા વગર મનોમન વિચાર્યું કે, મર્દ માણસ હોય તેને જ ભગવાન દુ:ખ આપે છે. એટલે ભગવાનને દોષ નથી આપવો.

ભગવાનને મેં બસ એટલું કીધું કે, તારામાં જો આપવાની ત્રેવડ હશે તો જ તે મારા બંને હાથ અને એક પગ લીધા હશે. હું જીવનમાં ક્યારેય હિંમત હાર્યો નથી. પછી મેં વિચાર્યું કે કોઇ સાજો વ્યક્તિ બાઇક લઇને નીકળે તો એને કોઇ ના જોવે, અને હું જો બંને હાથ વગર બાઇક લઇને નીકળું તો લોકો અને દુનિયા એમ કહે કે, જો આને બંને હાથ અને એક પગ નથી તોય બાઇક ચલાવે છે. મને બાઇક ચલાવતા જોઇને લોકો રાજી થઇ જાય છે. મને જોઇને લોકો હવે એમ કહે છે કે, ‘આને બે હાથ અને એક પગ નથી તોય આ આટલો રાજી રહે છે તો આપણે કેમ નહીં’.’
‘મારે જીવનમાં એટલા બધા પૈસા કમાવવા છે કે…’ ‘મારે જીવનમાં એટલા બધા પૈસા કમાવવા છે કે, જેનાથી હું ગરીબ લોકોની મદદ કરી એમનાં બધાં જ દુઃખો દૂર કરી શકું. મેં ખજૂરભાઇ એટલે કે નિતીનભાઈ જાનીમાંથી પ્રેરણા લઈને ગરીબો અને રસ્તામાં ખુલ્લામાં સૂતેલા ગરીબ અને વંચિત વર્ગના લોકોને ગરમ ધાબળા, ચંપલ અને નાસ્તાનું વિતરણ કરવાની સાથે શ્વાનોને પણ બિસ્કિટ સહિતની ચીજવસ્તુઓ અને પક્ષીઓને આકરા ઉનાળામાં યુવાનોને સાથે રાખી પાણીનાં કુંડાઓ ઠેર ઠેર લગાવવાનું કામ પણ મારાથી થઈ શકે એટલું અવશ્ય કરું છું. મારે પણ ખજૂરભાઇની જેમ લોકો માટે ઘર બનાવવાં છે. હાલ મને વિવિધ જગ્યાએથી મોટિવેશનલ સ્પીચ આપવાનું આમંત્રણ પણ મળે છે અને એ માટે હું લોકોને અને એમાય ખાસ કરીને યુવાનોને પ્રેરણા આપવા હંમેશાં જાઉં છું. મારે આગળ જઇને એક સારા મોટિવેશનલ સ્પિકર પણ બનવું છે.’
ગાયોમાં ફેલાયેલી લમ્પી વાઇરસની બીમારી દરમિયાન સેવા કરવા અંગે વિશાલ રાજપૂત જણાવે છે કે, જ્યારે ગાયોમાં લમ્પી વાઇરસ આવ્યો ત્યારે મેં અને મારા દોસ્તોના ગ્રૂપે ગાયોની ખૂબ સેવા કરી હતી. અમે રાત-દિવસ કાંઇ પણ જોયા વગર ગાયોની ખૂબ સેવાચાકરી કરી હતી. એમાં મારે બે હાથ ન હોવા છતાં મેં બીમાર ગાયોને ઇન્જેક્શન આપવા સુધીનું કામ કર્યું હતું, ત્યારથી મારામાં ગરીબોની અને અબોલ જીવોની સેવા કરવાની ધગશ વધુ જાગૃત બની હતી.
અમદાવાદની દિવ્યાંગ નેહા ભટ્ટ વિશાલ રાજપૂતના ઇન્સ્ટાગ્રામ પર એના વીડિયો જોઇને એનાથી પ્રભાવિત થઇને એને રૂબરૂ મળવા ગઇ હતી. આ એ જ નેહા ભટ્ટ છે, જે રિવરફ્રન્ટ પર અમ્પુ-ટી નામથી ટી સ્ટોલ ચલાવતી હતી. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ ખાતાએ તેનો સામાન હટાવી લીધો હતો. જેને પગલે નેહા ભટ્ટ સરકારને રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચી હતી. જો કે તેણીએ બરમૂડો પહેર્યો હોવાથી તેને સચિવાલયમાં એન્ટ્રી આપવામાં આવી નહોતી. એક પગથી દિવ્યાંગ અમદાવાદની નેહા ભટ્ટે હળવદના માથક ગામના બે હાથ અને એક પગથી દિવ્યાંગ એવા વિશાલ રાજપૂત સાથે દોઢથી બે કલાકનો સમય વિતાવી એકબીજાની જીવનશૈલી વિશે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી હતી.