
ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. અમદાવાદના કડીયાકામ કરતા પિતાની દીકરીએ મહેનત કરીને 97.77 પર્સન્ટાઈલ મેળવ્યા છે.દીકરીએ 2 રૂમના ઘરમાં રહીને મહેનત કરી સારું પરિણામ મેળવ્યું છે. હવે આ દીકરી સાયન્સ ગ્રુપ લઈને ડોકટર બની UPSC ક્લીઅર કરવા માંગે છે.
આર્થિક સ્થિતિ સારી નહીં છતાં પિતા ભણાવે છે
અમદાવાદના વસ્ત્રાલમાં રહેતી હર્ષિતા સાંકળિયા માતા પિતા સાથે રહે છે. હર્ષિતાના માતા ઘરકામ કરે છે, જ્યારે પિતા કડિયા કામ કરે છે. પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. છતાં માતા-પિતાએ દીકરીને ભણાવવામાં કોઈ કચાસ રાખી નથી. હર્ષિતા પણ બે રૂમના ઘરમાં મોટી થઈ છે. અભ્યાસ દરમિયાન અનેક મુશ્કેલીઓ પડતી હતી. છતાં અભ્યાસ પર ધ્યાન આપીને સારું પરિણામ મેળવ્યું છે.
લોકોની સેવા કરવી છે-હર્ષિતા
હર્ષિતાએ જણાવ્યું હતું કે ભણવામાં ક્યારેક ઘર નાનું હોવાથી મુશ્કેલીઓ પડતી હતી.આ ઉપરાંત ઘરનું પણ કામ કરતી હતી.મારું પરિણામ સારું આવ્યું છે જેથી મારે સાયન્સ લેવું છે. બી ગ્રુપમાં અભ્યાસ કરીને મારે ડોક્ટર બનવું છે. આ સાથે મારે યુપીએસસીની પરીક્ષા ક્લિયર કરીને લોકોની સેવા પણ કરવી છે.