લગ્ન પણ હવે લૂંટનો ધંધો બની ગયાં છે. કારણ કે, આજકાલના સમયમાં એવા લોકો પણ છે જે એવા લોકોને શોધે છે જેમના બિચારાના લગ્ન થતા ન હોય. અને તેવા લોકોને લગ્નની લાલચ આપે છે. તેની સાથે મહિલા લગ્ન પણ કરે છે. અને સુહાગરાતે પતિદેવને સુવડાવી લાખો રૂપિયા અને દાગીના લઈને ફરાર થઈ જાય છે. પરંતુ લખનઉમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યા લગ્ન પહેલા જ દુલ્હન દુલ્હાને લાખો રૂપિયાનો ચૂનો લગાવીને ફરાર થઈ ગઈ છે.
આપણે જે યુવકની વાત કરી રહ્યા છે તેના 16 ડિસેમ્બરે લગ્ન થવાના હતા, પરંતુ તે પહેલા યુવતીએ તેને લૂંટી લીધો હતો અને નાસી ગઈ હતી. હકીકતમાં મનોજ અગ્રવાલ નામના યુવકની મેટ્રોમોનીઅલ વેબસાઇટ જીવન સાથી ડોટ કોમ દ્વારા એક યુવતી સાથે પરિચય થયો, ત્યારબાદ મામલો લગ્ન સુધી પહોંચ્યો.
લખનઉના રહેવાસી મનોજ અગ્રવાલે લગ્ન માટે જીવન સાથી ડોટ કોમ પર તેની પ્રોફાઇલ બનાવી હતી. દરમિયાન, 15 ઓગસ્ટના રોજ તેને પ્રિયંકા સિંહ નામની યુવતીની વિનંતી મળી, ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. મનોજ અનુસાર, યુવતીએ તેને કહ્યું કે તે બિહારની છે અને તેના માતાપિતાનું અવસાન થયું છે. તે તેની કાકી સાથે રહે છે અને દિલ્હીમાં અભ્યાસ કરે છે.

કથિત રૂપે, મનોજના પરિવારના સભ્યો અને પ્રિયંકાના મામાએ વાટાઘાટો કરી તેમના સંબંધોને અંતિમ સ્વરૂપ આપ્યું. આ દરમિયાન મહિલાએ મનોજને એમ પણ કહ્યું હતું કે તે આઈએએસની તૈયારી કરી રહી છે અને ટૂંક સમયમાં જ તેની પસંદગી કરવામાં આવશે. મનોજના કહેવા પ્રમાણે, યુવતીએ તે જ બહાને પૈસા માંગ્યા હતા. મનોજે જણાવ્યું કે, યુવતી 10 હજાર અને 20 હજાર રૂપિયા અને 50 હજાર રૂપિયા અભ્યાસ માટે માંગતી હતી, અને તે પત્ની તરીકે આપી દેતો હતો. આ રીતે યુવકે મકાન બનાવવા માટે ભેગા કરેલા 6 લાખ રૂપિયા યુવતીને આપી દીધા.
છેલ્લા 6 મહિનાથી આ બંનેની વ્હોટ્સએપ ચેટિંગ ચાલતી હતી અને બંનેને મળવાનું પણ થતું હતું. દરમિયાન, લગ્નની તારીખ 16 ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી. આ વાતથી તે યુવક ખૂબ જ ખુશ હતો અને તેણે તેના લગ્નની તૈયારી શરૂ કરી દીધી હતી. જ્યારે ફરાર થવાની તૈયારી કરી રહેલી યુવતી મનોજને મળવા લખનઉ પહોંચી ત્યારે મનોજે તેની ફ્લાઇટનું ભાડુ પણ ચૂકવ્યું હતું. મનોજે તેને મોલમાં તેને લગભગ 2 લાખ રૂપિયામાં ખરીદી પણ કરાવી.

આ પછી, આરોપી પ્રિયંકા અંતિમ વાર હૈદરાબાદ જવાનું કહીને મનોજને ચૂનો લગાવીને ફરાર થઈ ગઈ, યુવતી ગાયબ થઈ ગયા બાદ તેના જ નહીં પરંતુ તેની માસીનો ફોન પણ બંધ આવવા લાગ્યો. જ્યારે મનોજે પ્રિયંકા દ્વારા અપાયેલા આધારકાર્ડ, પાનકાર્ડ અને મતદાર કાર્ડની તપાસ કરી ત્યારે તે પણ બનાવટી હોવાનું બહાર આવ્યું.

જ્યારે પીડિતા આરોપી પ્રિયંકા દ્વારા બિહાર અને દિલ્હીમાં આપવામાં આવેલા સરનામાંની તપાસ કરવા ગયો, ત્યારે તે પણ બનાવટી હોવાનું બહાર આવ્યું હતું, જે બાદ મનોજને ખબર પડી કે, અહીં તેની સાથે છેતરપીંડિય થઈ છે. લગ્ન પહેલા પણ પ્રિયંકા નામની યુવતી મનોજને લૂંટીને ફરાર થઈ ગઈ. જોકે ત્યાર બાદ પીડિત મનોજે યુવતી વિરુદ્ધ હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે. હવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.