ઝારખંડમાં એક દંપતીએ 40 વર્ષ સુધી સાથે રહીને 16 ફેબ્રુઆરીએ વસંત પંચમીના દિવસે સાત ફેરા કર્યા હતા. સમૂહ લગ્ન પ્રસંગે તેમના લગ્ન થયા હતા અને સાથે તેમના પુત્રના પણ લગ્ન થયા હતા. તમને જાણીને થોડું વિચિત્ર લાગશે પણ આ એક સત્ય ઘટના છે. આવો જાણીએ શું છે સમગ્ર ઘટના..
માહિતી અનુસાર, 62 વર્ષીય પાકો ખોરા નામનો વ્યક્તિ અને 56 વર્ષીય સોમરી દેવી 40 વર્ષથી સાથે રહેતા હતા. આ સમય દરમિયાન તેમને એક પુત્ર પણ થયો. પરંતુ તેમના સંબંધોને સમાજ દ્વારા માન્યતા મળી નહોતી. જેના કારણે, આટલા વર્ષો સાથે રહ્યા પછી પણ તે પતિ-પત્ની નહોતા.
વસંત પંચમી નિમિત્તે સ્વૈચ્છિક સંસ્થા નિમિત દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાકો ખોરા અને સોમરી દેવીએ સાત ફેરા લીધા હતા. આ પ્રસંગે પાકો ખોરા અને સોમરી દેવી સિવાય તેમના પુત્ર જિતેન્દ્રએ પણ તેની પત્ની સાથે લગ્ન કર્યા હતા. માતાપિતાએ ઔપચારિક લગ્ન નહોતા કર્યા. એટલે તેમને પતિ-પત્નિ તરીકેની ઓળખ મળી નહોતી.
આ એક અનોખુ સામૂહિક લગ્ન હતું. કારણ કે, અહીં, કેટલાંક , પિતા અને પુત્રએ એક સાથે લગ્ન કર્યા હતા. તો કેટલાક તેમના પૌત્રોને ખોળામાં લઈને લગ્ન કર્યા હતાં. દિવ્યાંગ, બિનુ મુંડા અને સુકૃત કુમારીએ પણ અહીં ઔપચારિક લગ્ન કર્યા હતા. જેમાના કેટલાંક લોકો તો પહેલેથી જ પરણેલા હતા. આ સામુહિક લગ્નમાં મોટા ભાગના જોડા પરિણિત હતા. જેમના લગ્નને માન્યતા મળી નહોતી. એટલે તેમને પરિણિત હોવા છતાં કાયદેસર રીતે પતિ-પત્નિનો દરજ્જો મળ્યો નહોતો. જેના કારણે આ લોકોને સરકારી યોજનાઓનો લાભ મળતો ન હતો.
પંડિત અને પાદરીએ કરાવ્યાં લગ્ન
એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા કરવામાં આવેલા આ સમારોહમાં, હિન્દુ દંપતીઓને પુજારી અને ખ્રિસ્તીઓનું પાદરીએ લગ્ન કરાવ્યું હતું. નિમિત એનજીઓએ આ સંબંધોને સામાજિક માન્યતા આપવા માટે આગેવાની લીધી. આ અંગેના સેક્રેટરી નિકિતાએ જણાવ્યું હતું કે, ઝારખંડના ગામોમાં એવા સેંકડો યુગલો છે જેમના ઔપચારિક લગ્ન થયા નથી. કારણ કે, તેમની આર્થિક સ્થિતિ એવી નથી કે યુગલોને લગ્ન પરવડી શકે.
પતિના મૃત્યુ પર પત્ની અને બાળકોને સંપત્તિમાં હક આપવામાં આવતો નથી. બાળકોના કાન પણ વીંધેલા હોતા નથી. મહિલાઓના અકાળ મૃત્યુ પર તેમને કબ્રસ્તાનમાં સ્થાન મળતું નથી. લગ્ન વિના પત્ની તરીકે રહેતી મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી અહીં 55 યુગલોએ ઔપચારિક લગ્ન કર્યા હતા.