વિદેશની મોહમાયા છોડી દંપતી રહે પોરબંદરના નાના ગામમાં, ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને પતિ ખેતરમાં કામ કરે છે, વાંચો રસપ્રદ કહાની…
વિદેશની મોહમાયા છોડી દંપતી રહે પોરબંદરના નાના ગામમાં, ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને પતિ ખેતરમાં કામ કરે છે, વાંચો રસપ્રદ કહાની…

વિદેશની મોહમાયા છોડી દંપતી રહે પોરબંદરના નાના ગામમાં, ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને પતિ ખેતરમાં કામ કરે છે, વાંચો રસપ્રદ કહાની…

આજના સમયમાં લોકોને વિદેશ ફરવા જવાનો અને સ્થાયી થવાનો વધારે મોહ હોય છે. ત્યારે પોરબંદરના બેરણ ગામનું એક દંપતી વિદેશમાં વસવાટ કરતું હોવા છતા તે હાઈ- ફાઈ સુવિધાવાળું જીવન છોડીને પોતાના ગામમાં સ્થાયી થયું છે.

ભારતની આપણી મહાન સંસ્કૃતિ અને વારસાને વિસરી આજે આપણું યુવાધન પશ્ચિમિકરણ તરફ દોટ મુકતુ જોવા મળી રહ્યું છે. તેમાં પણ આપણે ત્યાં વિદેશ જવાની તો આજે પણ ઘણી ઘેલછા છે. માણસ પોતાના જીવનમાં પૈસા ગમે ત્યારે તે મહેનત કરશે તો કમાઈ શકશે પરંતુ માતા-પિતા પરિવારથી વિશેષ મુલ્યવાન કાંઈપણ ના હોઈ શકે તે વાતને સાબિત કરી છે ઈગ્લેન્ડ છોડીને પોરબંદર જિલ્લાના નાના એવા બેરણ ગામમાં ખેતી-પશુપાલન કરીને રહેતા દપંતીએ.

પોરબંદર તાલુકાના બેરણ ગામમાં માતા-પિતા સાથે રહીને ખેતીવાડી અને પશુપાલન કરતા રામદેવભાઈ ખુંટી અને તેમના પત્ની ભારતીબેન બંને લોકો પહેલા ઈંગ્લેન્ડમાં સારી નોકરી કરતા હતા. આ દંપતી 2010માં ઈંગ્લેન્ડ ગયું હતું. જ્યાં રામદેવભાઈ ઈન્ટરનેશનલ ટુરીઝમ મેનેજમેન્ટમાં જોડાયા હતા. તેમના પત્ની લંડન ઍરપોર્ટમાં બ્રિટીશ ઍરવેઝમાં ઍર હોસ્ટેસનો કોર્ષ કર્યો હતો.

આ સમય દરમિયાન બંન્ને પતિ-પત્નીને સારી જોબ પણ હોવાથી તેઓ સારી રીતે લંડનમાં જીવન જીવી રહ્યા હતા. દરમિયાન તેમના પરિવારમાં પુત્રનો જન્મ થયો હતો. આ વૈભવી જીવનશૈલી વચ્ચે પણ રામદેને પોતાના ગામડે રહેતા પોતાના માતા પિતાની ચિંતા સતાવતી હતી. કારણ કે તે પોતાના માતા પિતાના એકના એક સંતાન હતા. તેથી રામદે ખુંટીએ પોતાએ પોતાના વતન પરત ફરવાનો નિર્ણય કર્યો અને આ વાત પત્નીને પણ કહી. બસ, પત્ની પણ તૈયાર થતા દંપતી લંડનની જીવનશૈલી છોડીને નાના એવા બેરણ ગામે રહેવા આવી ગયો.

રામદેભાઈએ જણાવ્યું કે પિતાની ઉંમર થઇ ગઇ હતી અને મારા સિવાય કોઇ ન હતું. માતા-પિતાની સારવાર માટે વિદેશની લાખોની નોકરી છોડીને તેઓ વતન બેરણા પાછા ફર્યા હતા. રામદે ખુંટી ખેતીકામના વ્યવસાયથી જાણીતા હતા. પરંતુ તેમના પત્ની ભારતીબેન આ તમામ બાબતોથી અજાણ હતાં. જો કે તેમને ખેતીકામ અને પશુપાલનના વ્યવસાય અંગે જાણવામાં અને શીખવામાં વાર ન લાગી. આજે ભારતીબેન દિવસમાં બે વખત છ ભેંસોને દોહવાનું કામ કરે છે. ખેતીકામમાં પતિને મદદ કરે છે અને નવરાશના સમયમાં ઘોડેસવારીનો શોખ પણ પૂરો કરે છે.

પરિવાર પશુપાલન અને ખેતીવાડીમાંથી સારી એવી આવક પણ મેળવી રહ્યો છે. આપણે ત્યાં એક એવી માન્યતા પણ રહેલી છે કે, જેઓ વધુ ભણેલા નથી અને જેઓને અન્ય કોઈ કામ નથી આવડતુ હોતુ તેઓ ગામડામાં રહેતા હોય છે. પરંતુ આ ભ્રમને આ દંપત્તીએ તોડી પાડ્યો છે. આ દંપત્તી અત્યારે “લિવ વિલેજ લાઈફ વિથ ઓમ & ફેમિલી” નામની યુ ટ્યુબ ચેનલ ચલાવે છે. જેમાં તેઓ પોતાની ગ્રામ્ય જીવનશૈલી ખેતીકાર્ય, પશુપાલન સહિતના અલગ-અલગ વીડિયો મુકે છે. આ ચેનલના આજે 97 હજારથી વધુ સબ્સક્રાઈબર્સ છે.

સમગ્ર મામલે ભારતીબેને કહ્યું કે આજે અનેક એવા માતા-પિતા છે. જેઓના સંતાનો વિદેશમાં રહેવાના મોહમાં તેમજ રૂપિયા કમાવવાની લ્હાયમાં એક વખત પોતાના વતનથી ગયા બાદ પોતાના પરિવારને વિસરી ગયા છે. આવા આપણે ત્યા અનેક કિસ્સાઓ છે. ત્યારે યુકેથી અહી સ્થાયી થયેલા આ દંપતી કુદરતના ખોળે જીવન જીવી રહ્યા છે, તે આ વાતની સાક્ષી પુરે છે કે, સાચુ સુખ માત્ર રૂપિયા નથી.