દેવી લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. લક્ષ્મીજી કૃપાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. ભૌતિક જીવનમાં સુખ સુવિધા માટે પૈસાને મુખ્ય સાધન ગણવામાં આવે છે. એટલે જ વ્યક્તિ પૈસાની શોધમાં દૂરના દેશોમાં જવા માટે તૈયાર રહે છે. વ્યક્તિ પૈસા મેળવવા માટે સખત મહેનત કરે છે. પરંતુ જીવનમાં ઘણી વખત એવી સ્થિતિ સર્જાય છે કે, સખત મહેનત કર્યા પછી પણ વ્યક્તિને ઇચ્છિત ફળ મળતું નથી. આ માટે લક્ષ્મીજીની ઉપાસનાને વિશેષ ફળદાયી માનવામાં આવે છે.
પૈસા સાથે સંકળાયેલી સમસ્યાઓના કારણે વ્યક્તિનું જીવન દુઃખદાયક બને છે. આત્મવિશ્વાસ ઘવાય છે અને વ્યક્તિ તણાવમાં રહે છે. જો તમે આ તમામ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માગતા હોય તો, શુક્રવારે લક્ષ્મીજી વિશેષ પૂજા કરો. કારણ કે, આ દિવસે લક્ષ્મી પૂજા માટે ખાસ ગણવામાં આવે છે.
આ કાર્યો કરવાથી લક્ષ્મીજી થાય છે ખુશ
શુક્રવારે લક્ષ્મીજીની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલીક ચીજોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. લક્ષ્મીજી મહિલાઓને સન્માન આપવાથી પ્રસન્ન થાય છે. વેદોમાં, મહિલાઓને શરમ, દયા, ક્ષમા, કરુણા અને મમતાપૂર્ણ વર્ણવવામાં આવી છે. તેથી, જે ઘરમાં મહિલાઓને માન અને સન્માન આપવામાં આવે છે, તેવા ઘરમાં લક્ષ્મીજી નિવાસ કરે છે. તેથી જ સ્ત્રીઓને ગૃહલક્ષ્મી પણ કહેવામાં આવે છે.
શુક્રવારે લક્ષ્મીજીના ઉપાય
શુક્રવારે સવારે ઉઠો અને મા લક્ષ્મીને યાદ કરો. આ પછી સ્નાન કરી લક્ષ્મીજીની પૂજા શરૂ કરો. આ દિવસે શ્રીસુકતનું પાઠ કરો. આ દિવસે તમે લક્ષ્મી યંત્રની સ્થાપના પણ કરી શકો છો. સાંજે ઘરની બહાર ઘીનો દીવો પ્રગટાવો. શુક્રવારે માતા ગજલક્ષ્મીની પૂજા પણ અસરકારક માનવામાં આવે છે.
આ બાબતોનું રાખો ધ્યાન
શુક્રવારે કાળી કીડીઓને લોટ અને ખાંડ ખવડાવવાથી સારા પરિણામ મળે છે. પીપળાને જળ ચઢાવો અને પુત્રીઓને તેમની પસંદીદા મનગમતી ચીજો ખવડાવો અને તેમને ઉપહાર આપો. આવું કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન કરે છે અને તમારી તમામ સમસ્યાઓનો અંત આવે છે.