કોરોના સંક્રમણ હવે ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે પણ આર્થિક સંકડામણ વધી રહ્યું છે. કોરોના કાળમાં આર્થિક સંકડામણથી કંટાળીને કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં માત્ર છેલ્લા 48 કલાકમાં જ 2 સામુહિક આપઘાતમાં બનાવ સામે આવ્યા છે. જેમાં કુલ 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આજે વડોદરાના આણંદમાં જીવનદીપ સોસાયટીમાં રહેતા પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી છે. માતા, પુત્ર અને પુત્રી સહિત ત્રણ લોકોએ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો. જેમાં માતા અને પુત્રનાં મોત નીપજ્યાં છે. જ્યારે પુત્રીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. જ્યારે સામૂહિક આપઘાત કેસમાં આજે એક મોટો ખુલાસો થયો છે. જેમાં આપઘાત કરવાનું કારણ જ્યોતિષ કનેક્શન હોવાનું સામે આવ્યું છે. કારણે જ્યોતિષોએ લાખો રૂપિયા લૂંટી લીધી હોવાથી પરિવાર આપઘાત કરવા માટે મજબૂર બન્યો હતો.
જાણો સામુહિક આપઘાત કરવા પાછળનું કારણ શું હતું?
વડોદરામાં સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારે બુધવારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 3ને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આપઘાત કરવા પાછળ જ્યોતિષ કનેક્શન છે. જ્યોતિષોએ લાખો રૂપિયા લૂંટી લીધા હોવાના કારણે પરિવાર આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં હતાં. નરેન્દ્ર સોની છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યાં હતાં. ઓછી આવક હોવાથી પોતાનું મકાન 40 લાખમાં વેચવા કાઢ્યું હતું. મકાનનો સોદો કરી તેની સામે જ તેઓ ભાડેથી રહેવા મજબૂર બન્યા હતાં. તેમને કાર, બાઇક અને મોપેડ ઉપરાંત પુત્રીની સાયકલ પણ વેચી દીધી હતી. જેને લઈને તેઓ સતત તણાવ અનુભવતા હતા અને આખરે જીવન ટુંકાવવાનો નિર્ણય કર્યો હતો.
જાણો પોલીસ ફરિયાદમાં શું સામે આવ્યું?
ત્યારે બુધવારે તેઓ નજીકની દુકાનેથી પેસ્ટિસાઇડની બોટલ લાવ્યા હતાં. અને કોલ્ડ્રિંક્સની બોટલમાં દવા ભેળવીને દરેક સભ્યએ ઝેરી પીણું ગટગટાવ્યું હતું. પૌત્રને તેના દાદા નરેન્દ્ર સોનીએ જાતે જ આ ઝેરી પીણું પીવડાવ્યું હતું. જેમાં પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 3 લોકો સારવાર હેઠળ છે. મહત્વનું છે કે આ પરિવાર પાસેથી 9 જેટલા જ્યોતિષીઓએ 35 લાખ રૂપિયા પડાવ્યા હતાં. આપઘાતનો પ્રયાસ કરનાર ભાવિન સોનીએ નોંધાવેલી પોલીસ ફરિયાદ સમગ્ર હકિકત જણાવી હતી. પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે વાસ્તુદોષ દૂર કરવા જ્યોતિષનો સહારો લીધો હતો. વાસ્તુદોષ દૂર કરવાના બહાને જ્યોતિષોઓ રૂપિયા 35 લાખ પડાવ્યા હતાં. આ કેસમાં ગોત્રી કેનાલ પાસે રહેતા જ્યોતિષ હેમંત જોશી મુખ્ય સૂત્રધાર છે. પોલીસે આ કેસમાં બે FIR દાખલ કરી છે.
ક્યાં ક્યાં જ્યોતિષીઓએ રૂપિયા લીધા?
- હેમંત જોશી અને સ્વરાજ જોશીએ રૂપિયા 13.50 લાખ પડાવ્યા
- અમદાવાદના પ્રહલાદ નામના જયોતિષે 2 લાખ રૂપિયા લીધા
- અમદાવાદના રાણીપના જયોતિષ સમીર જોષીએ 5 લાખ પડાવ્યા
- પુષ્કરના એક જયોતિષે વિધી કરવા 4 લાખ લીધા હતા
- પાણીગેટ વિસ્તારના સાહિલ વોરા નામના જયોતિષે 3.5 લાખ રૂપિયા લીધા
- અમદાવાદના જ્યોતિષ વિજય જોશી-અલ્કેશે 4.50 લાખ પડાવ્યા
સળગતા સવાલો
- વાસ્તુદોષ નિવારણ સામે જ્યોતિષોનો સહારો કેમ લેવાય છે?
- જ્યોતિષાચાર્યમાં માનવું સારી બાબત છે પરંતુ અંધશ્રદ્ધા કેમ?
- શહેરના લોકોને કેવી રીતે ભોળવી જાય છે જ્યોતિષીઓ?
- દેવાના ભાર સાથે ક્યાં સુધી જ્યોતિષના તાર?
- કેવી રીતે જ્યોતિષો ખંખેરી લે છે ગર્ભ શ્રીમંત પરિવાર પાસેથી રૂપિયા?
- કેવી રીતે જ્યોતિષો ફેલાવે છે પોતાની જાળ?
- જ્યોતિષાચાર્યમાં લોકો કેવી રીતે ભ્રમિત થઈ જાય છે?
આજે આણંદમાં એક પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો
આણંદની જીવનદીપ સોસાયટીમાંના 51 નંબરના મકાનમાં રહેતા અને વિદ્યાનગર ખાતે આવેલા મિત ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય ધરાવતા પરિવારે આર્થિક તંગીના કારણે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં 15 વર્ષીય પુત્રીને સમયસર સારવાર મળતાં તેનો જીવ બચ્યો છે, જ્યારે 38 વર્ષીય ટીનાબેન પ્રકાશભાઈ શાહ અને 12 વર્ષીય પુત્રનાં મોત થયાં હતાં.