સુરતથી હ્રદય કંપાવે તેવા CCTV ફૂટેજ સામે આવ્યાં છે. સુરતના એક વિસ્તારમાં પતિ અચાનક સળગતો સળગતો ઘરની બહાર દોડી આવ્યો હતો. પતિને બચાવવા માટે પત્ની પણ ધાબળો લઈને તેની પાછળ દોડી અને પતિને બચાવવા માટે કોશિશ કરી હતી. પણ આ ઘટનામાં બંને પતિ-પત્ની ગંભીર રીતે દાજી જતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
આ ઘટના બની છે સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં. કે જ્યાં ગત બુધવારે અચાનક સળગેલી હાલતમાં મળી આવેલા દંપતીના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવી મુજબ પહેલા પતિ સળગતો સળહતો ઘરની બહાર નીકળ્યો જે બાદ તેને બચાવવા માટે તેની પત્ની સહિત અન્ય 2 મહિલાઓ પણ દોડી આવી હતી અને તેને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો. જો કે આ ઘટના કેવી રીતે બની અને આ ઘટના બનવા પાછળનું કારણ શું હતું તે હજુ સુધી સામે આવ્યું નથી. જેથી પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
આગ લાગવા પાછળનું કારણ અકબંધ
મળતી માહિતી અનુસાર સૈયદપુરા વિસ્તારમાં રહેતો ગણેશ ચૌહાણ બુધવારે પત્ની રફિયા અને પોતાના બાળકો સાથે ઘરમાં સુતો હતો. ત્યારે રાત્રે અચાનક 1-2 વાગ્યા આસપાસ પતિ ભેદી રીતે સળગી ગયો હતો. જેને પગલે ઘરની બહાર દોડી આવેલા પતિ બાદ પત્નીને દાઝી ગયેલી હાલતમાં લોકોએ 108-એબ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. બંને જણા કેવી રીતે સળગી ઊઠ્યાં તે અંગે કોઈ જાણકારી મળી નથી. હાલ તો પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
પતિને બચાવવા જતાં પત્ની પણ દાઝી
પત્ની રફિયાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે રાતે સુતા હતા ત્યારે મારા મારા પતિની પીઠ એકદમ સળગવા લાગી હતી. જેથી એ દોડીને ઘર બહાર નીકળી ગયા, હું પણ એમની પાછળ દોડીને બહાર ગઈ તો જોયું કે તેઓ જમીન ઉપર પડી ગયા હતા. જેથી મે ધાબળો અને માટી નાખી આગ ઠારવાનો પ્રયાસ કર્યો હતો. પણ આ ઘટનામાં હું પણ દાજી ગઈ હતી. હાલ તો પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.
પોલીસ ન્યાય અપાવે તેવી આશા
ગણેશ ચૌહાણે જણાવ્યું હતું કે, હું તો સૂતો હતો. અચાનક મારી પીઠ સળગતા દોડીને બહાર નીકળી ગયો હતો. લોકોએ અને મારી પત્નીએ મને બચાવ્યો, છેલ્લા કેટલાક સમયથી મારી સાળી જબરજસ્તી તેના પતિ સાથે મારા ઘરમાં રહે છે અને કહે છે ગમે તે થઈ જાય તમને ઘરમાંથી બહાર કાઢી ને જ રહીશ. આ વાત ગયા શુક્રવારની છે અને 5 દિવસમાં જ આ ઘટના બની છે. પોલીસ અમને ન્યાય અપાવે એવી જ આશા રાખીએ છીએ.