
સુરતમાં એક સાથે બે હાર્ટ એટેકની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. વાત જાણે એમ છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી હાર્ટ એટેકની ઘટનાઓમાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન સુરતમાં એક સાથે બે હાર્ટ એટેકની ઘટનામાં એક મહિલા અને એક યુવકનું મોત થયું છે.
ડાયમંડ નગરી સુરતમાં એક સાથે બે હાર્ટ એટેકની ઘટનામાં 2 વ્યક્તિના મોત થયા છે. સુરતના સચિન વિસ્તારમાં 46 વર્ષીય મહિલાનું હાર્ટ એટેકથી નિધન થયું છે. આ સાથે અન્ય એક 28 વર્ષીય યુવકનું પણ હાર્ટ એટેકથી જ નિધન થયું છે. પ્રાથમિક વિગતો મુજબ બંને વ્યક્તિઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જે બાદમાં બંનેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબો બંનેને મૃત જાહેર કર્યા હતા.
શું છે હાર્ટ એટેક?
જાણી લો કે કોઈને પણ હાર્ટ અટેક ત્યારે આવે છે, જ્યારે દિલમાં બ્લડનો પ્રવાહ ઓછો કે અવરોધિત થઈ જાય છે. ઘણી વાર કોરોનરી ધમનીઓમાં કેલેસ્ટ્રોલ અને ફેટ જમા થઈ જવાને કારણે પણ આમ બને છે. દિલને બ્લડ સપ્લાય કરનાર વાહિકાઓને કોરોનરી ધમનીઓ કહેવાય છે. જણાવી દઈએ કે જો તમને હાર્ટ એટેકનું કોઈપણ લક્ષણ જોવા મળે, તો તેને ઇગ્નોર ન કરશો અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરશો.
હાર્ટ એટેકનાં લક્ષણો
ધ્યાન આપવા જેવી બાબત છે કે હાર્ટ અટેક આવતા પહેલા આપણાં શરીરમાં ઘણા બદલાવ જોવા મળે છે. આ સંકેતોને જોતાં જ તરત જ એલર્ટ થઈ જવું જોઈએ અને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જણાવી દઈએ કે હાર્ટ અટેક આવતા પહેલા વ્યક્તિને છાતીમાં દુખાવો, જડબા કે દાંતમાં દુખાવો, શ્વાસ લેવામાં સમસ્યા, પરસેવો આવવો, ગેસ થવો, ચક્કર આવવા, માથું ફરવું, બેચેની થવી જેવી ફરિયાદો જોવા મળે છે.
કઈ ઉંમરમાં હાર્ટ અટેક આવવાની સંભાવના રહે છે?
જણાવી દઈએ કે સામાન્ય રીતે હાર્ટ અટેક કોઈપણ ઉંમરની વ્યક્તિને આવી શકે છે, પરંતુ 45 વર્ષ કરતાં વધારે ઉંમરનાં પુરુષો અને 55 વર્ષ કરતાં વધારે ઉંમરની મહિલાઓને હાર્ટ અટેક આવવાની સંભાવના વધારે રહે છે.
હાર્ટ એટેકને લઈ કેટલીક જાણવા જેવી વાતો
હાર્ટ એટેકને રોકવા માટે સૌથી જરુરી છે કે આપણને ખબર હોવી જોઇએ કે હૃદયની ધમનીઓમાં કોઇ બ્લોકેજ તો નથી ને? હૃદયની ધમનીઓ(કોરોનરી આર્ટરી) તમારા શરીરની મુખ્ય લોહી જતી નસો છે જે તમારા હૃદય સુધી લોહીને પહોંચાડે છે. જો તેમાં કઇ પણ ગરબડ હોય કે તેમાં કોઇ કારણે બ્લોકેજ આવે છે તો તે હાર્ટ એટેકના અનેક ચેતવણી સંકેત આપે છે.
આ છે ચેતવણી સંકેત
હૃદયની નસો બ્લોક થઈ જાય ત્યારે તમને છાતીમાં ભારેપણું આવી શકે છે. થોડો પ્રયત્ન કર્યા પછી પણ તમે હાંફવા લાગો છો અથવા તમને છાતીમાં દુખાવો, ગૂંગળામણ, બેચેની અને અસ્વસ્થતાનો અનુભવ થાય છે, તો આ હાર્ટ એટેકના લક્ષણો હોઈ શકે છે. થાક, શ્વાસ લેવામાં તકલીફ, અચાનક ઝડપી ધબકારા એ પણ હાર્ટ એટેકના સંકેતો છે જે તમારી ધમનીઓ તમને આપી રહી છે. આ સિવાય હ્રદયરોગ, ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓમાં છાતીમાં દુખાવો કે દબાણ આવવું હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે.
હાર્ટમાં ગરબડના સંકેત મળે તો શું કરવું?
જો કોઈ દર્દીને આ લક્ષણો જણાય, તો તેણે તાત્કાલિક કાર્ડિયોલોજિસ્ટ એટલે કે હૃદયના ડૉક્ટરને મળવું જોઈએ. ખાસ કરીને જો તમારા પરિવારમાં કોઇને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવા રોગોની હિસ્ટ્રી હોય, તો તમારે તમારા હૃદયનું સંપૂર્ણ ચેકઅપ કરાવવું જોઈએ.
હાર્ટ એટેક આવવા પર શું કરવું?
હાર્ટ એટેકના શરુઆતમાં છાતીમાં દુખાવો, ભારેપણું, જડબામાં કળતર, પીઠ અથવા ડાબા હાથ કળતર, પરસેવો અને બેચેનીનો અનુભવ વગેરે સમાવેશ થાય છે. જો આવું થાય, તો તમારે મદદ માટે તાત્કાલિક મેડિકલ હેલ્પ લાઇન નંબર પર કૉલ કરવો જોઈએ. મેડિકલ હેલ્પ આવવા સુધી તમે દર્દીને એસ્પિરિનની ગોળી ખવડાવી શકો છો.
શું છે ઇલાજ?
જે દર્દીઓને 70 ટકાથી ઓછું બ્લોકેજ હોય તેમની સારવાર દવાઓથી કરવામાં આવે છે. લક્ષણો સાથે 75 ટકાથી વધુ બ્લોકેજ ધરાવતા દર્દીઓની સારવાર એન્જીયોપ્લાસ્ટી અથવા બાયપાસ સર્જરી દ્વારા કરવામાં આવે છે.
હૃદયને તંદુરસ્ત રાખવા કરો આટલું:
- તમાકુનું સેવન બંધ કરો
- દારુ ના પીવો
- ડાયાબિટીસ, હાઇ બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓને કાબૂમાં રાખો, સમયસર તેની તપાસ કરાવો.
- 7-8 કલાકની નિયમિત રોજ ઊંઘ લો.
- હેલ્દી ખોરાક લો અને મીઠું, ફેટ અને ખાંડથી બનેલા ખોરાક ખાવાનું ટાળો. મિઠાઇ, જંક ફૂડ અને સ્ટ્રીટ ફૂડથી દૂર રહો.
- વજન કંટ્રોલમાં રાખો
- નિયમિત રીતે વ્યાયામ કરો. સ્વસ્થ્ય અને ફિટ રહેવા માટે તમે અઠવાડિયામાં 5 દિવસ 30-45 મિનિટ બ્રિસ્ક વોક કરો.