
ડાયમંડ નગરી સુરતના હીરાબાગ સર્કલ પાસેની વિઠ્ઠલનગર સોસાયટીમાં આશ્ચર્યજનક દૃશ્યો સામે આવ્યાં છે, અને આ દ્રશ્યોને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. વિઠ્ઠલનગર સોસાયટીમાં અનેક ઘરોમાં પાણીના નળમાંથી પાણની જગ્યાએ કાદવ બહાર આવવાનો શરૂ થઈ ગયો હતો. એકાએક જ કાદવનો સ્તર વધવા લાગતાં આખી સોસાયટીના રહીશો ચિંતામાં મુકાયા છે. લોકો પોતાના ઘરમાંથી કાદવને બહાર કાઢી રહ્યા છે.

આપણે સામાન્ય રીતે વરસાદની સિઝનમાં સોસાયટીઓમાં પાણી ભરાવાને કારણે કાદવનાં દૃશ્યો જોયાં હશે. પરંતુ સુરતની હીરાબાગ સર્કલ પાસે આવેલી વિઠ્ઠલનગર સોસાયટીમાં જે દૃશ્યો જોવા મળ્યાં છે એનાથી તમમ લોકો અચંબિત થઈ ગયા હતા. સોસાયટીનાં ઘરોમાં જ્યાં જ્યાં પાણીની પાઇપો હતી એમાં પાણી આવવાને બદલે કાદવ બહાર આવ્યો.. અને મોટા પ્રમાણમાં કાદવ એકાએક જ જમીન સ્તરથી ઉપર આવવાનો શરૂ થતાં લોકો ગભરાઈ પણ ગયા હતા.

કાદવ ઘરમાં ન ઘૂસે તે માટે લોકોએ ઈંટો રાખી
વિઠ્ઠલનગર સોસાયટીના લોકોની હાલત કફોડી બની છે. મેટ્રોની કામગીરી સમયે સોસાયટીમાં કાદવના થર થઈ ગયા છે. સોસાયટીમાં કાદવનું વહેણ ફરી વળ્યું છે. લોકોએ ઘરમાં કાદવ ઘૂસતો અટકાવવા ઈંટોની આડશ મૂકી છે.
ગટર અને પાણીની લાઇનામાંથી કાદવ બહાર આવ્યો
સોસાયટીમાં એકાએક કાદવ ઊભરાવા લાગ્યો હતો. સોસાયટીના રસ્તાઓ પર કાદવ ફરી વળ્યો છે. એેને કારણે રહીશો સોસાયટીની બહાર પર જઇ શકતા નહોતા. માત્ર સોસાયટીના રસ્તા જ નહીં, પરંતુ ઘરમાં પણ ગટરની લાઇન કે પછી પાણી નિકાલની લાઇનોમાંથી પણ કાદવ બહાર આવી રહ્યો છે. અમુક ઘરોમાં કાદવોના થર જમા થઈ રહ્યા છે, જેને કારણે વિઠ્ઠલનગર સોસાયટીના રહીશોની હાલત કફોડી બની છે.
