આ છે બિહારના બે ‘માઉન્ટેન મેન’, એકે પત્નીના પ્રેમમાં પહાડ તોડી રસ્તો બનાવ્યો, તો બીજાએ બનાવી નહેર…

બિહારની ધરતીમાંથી બે ‘માઉન્ટેન મેને’ પોતાના સંઘર્ષથી અશક્યને શક્ય કરી બતાવ્યું છે. એક હતો દશરથ માંઝી અને બીજો લૌંગી ભુઈયા. આ બંને વચ્ચે ભલે  એકબીજા સાથે કોઈ સંબંધ નથી. પરંતુ તેમના કામ બંનેને એકબીજાથી જોડે છે. દશરથ માંઝીએ પોતાની પત્નીના પ્રેમ ખાતર પહાડ તોડીનો રસ્તો બનાવ્યો હતો. એવી જ રીતે લૌંગી ભુઈયાએ પણ વર્ષો સુધી મહેનત કરીને જમીન ખોદી નહેર બનાવી છે. જેની ચર્ચા ચો-તરફ થઈ રહી છે. તો ચલો જાણીએ, આ માઉન્ટેન મેનના પ્રેમથી ઘૂંટાયેલી સંઘર્ષી કહાણી….

દશરથ માંઝી બિહારમાં આવેલા ગહલોર ગામના ગરીબ મજૂર હતા. જેમણે ફક્ત હથોડી અને છીણી વડે એકલા હાથે જ 360 ફૂટનો લાંબો અને 30 ફૂટ પહોંળો અને 25 ફૂટ ઊંચા પહાડની વચ્ચે એક રસ્તો બનાવ્યો હતો. 22 વર્ષની મહેનત બાદ દશરથ માંઝીએ અંતરી અને વજીરગંજ બ્લોક સુધી 55 કિલોમીટરના રસ્તાને 15 કિલોમીટરમાં ફેરવી અશક્ય કામ શક્ય કરી બતાવ્યું હતું.

શરૂઆત જ્યારે માંઝીને રસ્તો બનાવવનું કામ ચાલું કર્યુ ત્યારે, લોકો એમને પાગલ કહેતા હતા. તો કેટલાંક લોકો એમની ઠેકડી પણ કરતાં પરંતુ તેમણે હાર ન માની  અને  સતત પ્રયાસ કરતાં રહ્યાં. પરિણામે આજે એ જ ગામના લોકો તેમના રસ્તા પરથી પસાર થઈને પોતાની મંઝિલ સુધી પહોંચી રહ્યાં છે.

નોંધનીય છે કે, દશરથ માંઝીનું મોત 2007માં કેન્સરના કારણે મોત થયું હતું. મુખ્યપ્રધાન નીતિશ કુમારે ગહલોર દશરથ માંઝીના નામથી 3 કિ.મી લાંબો રસ્તો અને હૉસ્પિટલ બનાવવાનો નિર્ણય કર્યો હતો.

દશરથ માંઝીના  આ અભૂતપૂર્વ સાહસને ફિલ્મી પડદે જીવંત કરવાનો પ્રયાસ કરાયો હતો. જ્યારે આ ફિલ્મ બનાવવાની ચર્ચા થતી હતી, ત્યારે માંઝી પોતાના છેલ્લા શ્વાસ લઈ રહ્યાં હતા. તે દરમિયાન તેમણે એક એગ્રીમેન્ટ પર અગૂંઠો લગાવી પોતાના જીવન પર ફિલ્મ બનાવવાની પરવાનગી આપી હતી. ફિલ્મ ‘માંઝી દ માઉન્ટેનમેન’માં નિર્દેશક કેતન મહેતાએ એક-એક પાત્રને જીવંત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં  નવાઝુદ્દીન સિદ્દીકીએ માંઝીની ભૂમિકા બખૂબી રીતે નિભાવી હતી. આવી જ કહાણી બીજા માઉન્ટ મેન  એટલે કે, લૌંગી ભૂઈયાની છે. જે બિહારના કોઠીલવા ગામમાં રહે છે.


લૌંગી ભૂઈયાના ચાર બાળકો કામ-ધંધાની શોધમાં તેમને છોડીને જતાં રહ્યાં હતા. જેના કારણે તેમનું મન ઘરમાં લાગતું નહોતું. એટલે તે પોતાનું ધ્યાન કામમાં પરોવવાનો પ્રયત્ન કરતાં હતા. રોજ સવાર-સાંજ તે બંગેઠા પહાડ પર બકરી ચરાવવા જતા. તે દરમિયાન એક દિવસ તેમને વિચાર આવ્યો કે, ગામમાં પાણીની ઘણી સમસ્યા છે. જેના કારણે ઘણાં લોકો સ્થળાંતર પણ કરી રહ્યાં છે. આ સમસ્યાનું નિવારણ લાવવું જોઈએ, પણ કેવી રીતે? ત્યારે તેમણે પહાડ પરના તળાવનું પાણી ગામ સુધી પહોંચાડવાનો વિચાર આવ્યો, અને તેમણે નક્કી કર્યુ કે, ગામમાં પાણી પહોંચાડીને જ રહેશે. આખરે  તેમના આ  દ્રઢ મનોબળે પહાડ પર આવેલા તળાવના પાણીને ગામ સુધી પહોંચાડી  જ દીધું.


ભુઈયા રોજ પાવડો લઈને પહાડ પર જતાં અને એકલા જ જમીન ખોદવાનું ચાલું કર્યુ અને આ રીતે તેમણે 3 કિલોમીટર લાંબી ,પાંચ ફૂટ પહોળી અને ત્રણ ફૂટ ઉંડી નહેર બનાવી. આ વર્ષ ઓગસ્ટમાં ભૂઈયાએ આ કામ પૂરું કર્યુ અને વરસાદમાં તેમની આ મહેનતનું પરિણામ પણ જોવા મળ્યું.

હાલ, આ નહેરનું પાણી 3 ગામના ખેડૂતો માટે વરદાનકારક સાબિત થયું છે. વાવણી કરવા માટે તેમને આ નહેરનું પાણી ઉપયોગી થઈ રહ્યું છે. આમ, લૌંગી ભૂઈયાનું કામ માઉન્ટમેન જેવું હોવાથી ગામના લોકો તેમને પણ માઉન્ટ મેન કહી રહ્યાં છે. એક તરફ ગામના લોકો તેમની મહેનતને વધાવી રહ્યાં છે, ત્યારે લૌંગી ભૂઈયા આજે પણ પોતાના બાળકોની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *