હાલ, દિવસેને દિવસે શાકભાજીના ભાવ વધી રહ્યાં છે. સામાન્ય લોકોથી લઈને ગરીબ વર્ગ પણ શાકભાજી ખરીદતા પહેલા દસવાર વિચાર કરે છે, ત્યારે આજે અમે તમને એક એવી શાકભાજી વિશે વાત કરવાના છે, જેને ખરીદવામાં અમીરોનો પણ પરસેવો છૂટી જાય છે. જી હા…તમને આ વાત સાંભળીને નવાઈ લાગશે, પણ આ હકીકત છે. આ શાકભાજી દુનિયાની સૌથી મોંઘી શાકભાજી છે. જેના પર ટેક્સ લગાવવામાં આવ્યો હતો. તો આવો જાણીએ કે, ક્યાં છે આવી શાકભાજી….
સામાન્ય રીતે શાકભાજીની કિંમત 100 અથવા 200 રૂપિયા કિલો હોય છે, પરંતુ દુનિયામાં એક એવી પણ શાકભાજી છે, જેને અમીરો પણ તેને ખરીદતા પહેલા દસવાર વિચાર કરે છે. આ શાકભાજી માટે 1000 યૂરો પ્રતિ કિલો ચુકવવા પડે છે. એટલે કે, ભારતીય રૂપિયા પ્રમાણે 82 હજાર રૂપિયા પ્રતિ કિલોમાં આ શાકભાજી પડે છે. આ શાકભાજીનું નામ છે ‘હૉપ શૂટ્સ’ અને આનું જે ફૂલ હોય છે તેને ‘હૉપ કૉન્સ’ કહેવાય છે.
18મી સદીમાં ઇંગ્લેન્ડમાં આ શાકભાજી પર લગાવાયો હતો ટેક્સ
સૌથી પહેલા આ શાકભાજીની ખેતી ઉત્તર જર્મનીમાં શરૂ થઈ અને ત્યારબાદ આ ધીરે-ધીરે આખા વિશ્વમાં ફેલાઈ હતી. આ શાકભાજીની ખાસિયતો જોઇને ઇંગ્લેન્ડ સરકારે તો એની પર 18મી સદીમાં ટેક્સ લગાવવાનો નિર્ણય કર્યો હતો. સાથે-સાથે બીયર બનાવવામાં તેનો ઉપયોગ અનિવાર્ય કર્યો હતો. કારણ કે, તેના ઉપયોગથી બીયરનો સ્વાદ વધતો હોવાનું મનાય છે.
આ શાકભાજીની ડાળીઓનો ઉપયોગ સલાડ તરીકે કરવામાં આવે છે. જેનું અથાણું પણ બનાવવામાં આવે છે, તે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ અને ફાયદાકારક હોય છે. લગભગ ઇ.સ 800ની આસપાસ લોકો આને બીયરમાં મેળવીને પીતા હતા. આ ક્રમ હજુ સુધી ચાલી રહ્યો છે.
ઔષધીય ગુણોથી ભરપૂર
આ શાભાજી મોંઘી હોવાના કારણે એવું કહેવાય છે કે, હૉપ શૂટ્સ ખાવા માટે બેંકમાંથી લૉન લેવી પડી શકે છે. ‘હૉપ શૂટ્સ’ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે,જેના કારણે તેનો ઉપયોગ જડીબુટ્ટી તરીકે કરવામાં આવે છે. દાંતના દુ:ખાવામાં આ ઘણી ઉપયોગી સાબિત થાય છે. આ ઉપરાંત ટીબી જેવી અનેક ગંભીર બીમારીની સારવારમાં પણ આનો ઉપયોગ થાય છે. કારણ કે, આ શાકભાજીમાં એન્ટીબાયૉટિકના ગુણો જોવા મળે છે. કેટલાંક લોકો ‘હૉપ શૂટ્સ’ને કાચું પણ ખાય છે, જો કે, સ્વાદમાં તે ઘણું કડવું હોય છે.
ઉલ્લેખનીય છે કે, આ શાકભાજીના ફૂલનો ઉપયોગ બીયર બનાવવામાં કરવામાં આવે છે, જ્યારે બાકી ડાળીઓનો ઉપયોગ ખાવામાં કરવામાં આવે છે.
માર્ચથી લઇને જૂન સુધી ‘હૉપ શૂટ્સ’ની ખેતી માટે મહત્વનો સમય માનવામાં આવે છે. આનો છોડ ભીનાસની સાથે સાથે સૂર્યનો પ્રકાશ મળવાથી ઝડપથી વધે છે. કહે છે કે એક જ દિવસમાં આની ડાળીઓ 6 ઇંચ સુધી વધી જાય છે. આની બીજી એક વિશેષતા એ છે કે શરૂઆતમાં આની ડાળીઓ જાંબુડી રંગની હોય છે, જે પછી લીલા રંગમાં બદલાય છે.