આપણે માણસોને તો કરોડપતિ થતાં જોયા હશે પણ શું તમે ક્યારેય એવું જોયું કે કોઈ ગામના કુતરા પણ કરોડપતિ બની ગયા હોય. પણ આ વાત હકિકત છે. અહિંયાના કૂતરાઓ પણ વર્ષે લાખો રૂપિયા કમાઈ છે. ગામના કૂતરાઓ પાસે એટલી સંપત્તિ છે કે ગામના દરેક કૂતરા કરોડપતિ બની ગયા છે. તમને આ વાત જાણીને નવાઈ લાગશે પણ આ હકિકત છે. આપણે વાત કરી રહ્યાં છીએ ગુજરાતના મહેસાણા જિલ્લાની. મહેસાણા જિલ્લાના પાંચોટ ગામના કૂતરાઓ કરોડપતિ છે.
અહીંના શ્રીમંત પરિવારોએ દાનમાં આપેલી જમીન પર માઢની પાટી કૂતરિયા ટ્રસ્ટ શરૂ કરવામાં આવ્યું છે. આશરે 70 વર્ષ પહેલા ટ્રસ્ટ પાસે જમીન આવી હતી. પાંચોટનો વિકાસ થયો અને જમીનના ભાવ વધવા લાગ્યા ત્યારથી જમીન દાનમાં અપાતી બંધ થઈ ગઈ. જ્યારે જમીન દાનમાં અપાતી ત્યારે કોઈ દસ્તાવેજો થતા ન હતા એટલે આજની તારીખે પણ જમીન તો મૂળ જમીન માલિકના નામે જ છે. આજ સુધી ક્યારેય પણ કોઈ જમીન માલિક તરફથી જમીન પાછી લેવા માટે પ્રયાસ કરવામાં આવ્યો નથી. અહિંયા એક વિઘાના 3.5 કરોડ રૂપિયા છે. આ ટ્રસ્ટ પાસે કુલ 21 વિધા જમીન છે. કારણ કે બાઈપાસ રોડ પર આવેલી છે. એટલે આ જમીનની કિંમત અંદાજે 70 કરોડ રૂપિયા છે.

આ જમીન પર દર વર્ષે વાવણીની સિઝન પહેલા બેંક દ્વારા ટ્રસ્ટની જમીનના દરેક પ્લોટની હરાજી કરવામાં આવે છે. જે સૌથી વધારે બોલી લગાવે તેને એક વર્ષ માટે જમીન પર ખેતી કરવાનો હક્ક મળે છે. ટ્રસ્ટને હરાજીમાં એક લાખ રૂપિયા મળે છે. જે એક લાખ રૂપિયાનો ઉપયોગ 70 કુતરાઓને ખવડાવવા માટે કરવામાં આવે છે. પંચોટ ગામમાં કૂતરાઓને ખવડાવવા માટે જમીન આપવાની પ્રથા ખુબ ઓછી છે. જેથી લોકો જમીન દાનમાં આપી દે છે.

સમગ્ર મામલે ટ્રસ્ટના અધ્યત્ર છગન પટેલે કહ્યું કે 70થી 80 વર્ષ પહેલા એક ખેડૂતોના એક સમુહે ગામમાં જમીનની ખેતી શરૂ કરી હતી. આ જમીન 70 વર્ષ પહેલા ટ્રસ્ટને મળી હતી. જે જમીનને કિંમત અત્યારે વધી રહી છે. જેથી લોકો દાન કરતું નથી. પણ જે લોકોએ જમીન દાન કરી છે તેને આ જમીન પાછી લીધી નથી.

જ્યારે મહેસાણાના પાંચોટ ગામના સરપંચ કાંતાબેનના પતિ દશરથભાઈએ જણાવ્યું હતું કે આ પ્રકારની સેવા ભાવના હોવાનું એક કારણ લોકોની ધાર્મિક ભાવના પણ છે. 6 હજારની વસ્તી ધરાવતા ગામમાં 15 મંદિરો છે. 60 વર્ષ પહેલા કૂતરાઓ માટે શીરો બનાવતા હતાં. ત્યારે હું પણ એ લોકો સાથે જોડાયો હતો. આજે 15 લોકોએ વિના મૂલ્યે કૂતરાઓને રોટલા ખવડાવવાની જવાબદારી ઉપાડી છે. 2015માં ટ્રસ્ટ દ્વારા ‘રોટલા ઘર’ નામની એક ઈમારત બનાવાઈ છે, જ્યાં બેસીને મહિલાઓ રોટલા બનાવે છે. તેઓ દરરોજ 20-30 કિલો લોટના 80 જેટલા રોટલા બનાવે છે. સાંજે 7.30 વાગ્યાની આસપાસ સ્વયંસેવકો હાથ લારીમાં રોટલા અને રોટલીના ટુકડા લઈને વહેંચવા માટે નીકળે છે. ગામમાં રહેતા કૂતરાઓને ગામના લોકો દ્વારા જ ખવડાવવામાં આવે છે.