આપણી સામે જ્યારે પોલીસ સ્ટેશનનું નામ આવે તો એટલે આપણી સામે ગંદી ગાળો બોલતા લોકો, ગુનેગારોથી ભરપુર લોકઅપ અને ગંદકી આપણી માનસિકતા પર છવાઈ જાય છે. પોલીસ સ્ટેશનમાં રડતી આંખો સાથે આવતા ફરીયાદી અને ગુનેગારોની ચીસો સાંભળવા મળે છે. કોઈ માણસ એવો નહીં હોય કે તે પોલીસ સ્ટેશન જવાની પસંદ કરે. કારણ કે પોલીસ સ્ટેશનનું નામ પડતાં જ લોકો 2 ગજની દુરી બનાવી લે છે. પણ ગુજરાતમાં એક એવું પોલીસ સ્ટેશન છે કે જ્યાં લોકો નાના બાળકો દરરોજ ઉત્સાહ સાથે પોલીસ સ્ટેશનમાં આવે છે. આવો જાણીએ ક્યાં આવેલું છે આ પોલીસ સ્ટેશન અને કેમ દરરોજ બાળકો પોલીસ સ્ટેશન જાય છે એ પણ ઉત્સાહ સાથે.

ACBએ મહિલા શિક્ષિકાનો સંપર્ક કર્યો
આપણે જે પોલીસ સ્ટેશનની વાત કરી રહ્યાં છીએ તે પોલીસ સ્ટેશન વડોદરામાં આવેલું છે. વડોદરા શહેરના માંજલપુર પોલીસ સ્ટેશન નજીક થોડા સમય પહેલા સેવા સંસ્થા દ્વારા ગરીબ બાળકોને શિક્ષણ પુરૂ પાડવાની પહેલ કરવામાં આવી હતી. સેવા સંસ્થા પાસે પુરતી સુવિધા ન હોવાથી તેઓ રસ્તાની બાજૂમાં આવેલા ખુલ્લી જગ્યામાં બાળકોને બેસાડીને ભણાવતા હતા. તેવામાં એક દિવસ ACP એસ. બી કુંપાવતની નજર આ રસ્તાની બાજુમાં શિક્ષણ મેળવી રહેલા બાળકો પર પડી હતી. બાળકો જે રસ્તા પર શિક્ષણ મેળવી રહ્યાં હતાં. ત્યાં વાહનોની અવરજવર ખુબ થતીં હતી. જેથી ભણવામાં બાળકોને થોડી મુશ્કેલી પડી હતી. જેથી તેમણે આ બાળકોને ભણાવી રહેલા શિક્ષિકાનો સંપર્ક કર્યો હતો.
ACPએ ગાડીમાંથી ઉતરી સમગ્ર ઘટનાની જાણકારી મેળવી
એક દિવસ એસીપી પોતાની ગાડીમાંથી ઉતરી બાળકો રસ્તામાં કેમ ભણે છે તેવું શિક્ષિકાને પૂછ્યું હતું. ત્યારે શિક્ષિકાએ સમગ્ર માહિતી જણાવી હતી. ત્યારે ACPએ કહ્યું હતું કે માંજલપુર પોલીસ સ્ટેશનમાં વિશાળ જગ્યા છે, જ્યાં બાળકો શાંતિથી ભણી શકે છે. પોલીસ સ્ટેશન પરિસરમાં અમે બાળકોને ભણવા માટે તમામ સુવિધાઓ અમે ઉપલબ્ધ કરાવી આપશું. પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં જ વિદ્યાર્થીઓ માટે પાઠશાળા માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જ્યાં દરરોજ મહિલા શિક્ષિકા ગરીબ બાળકોને રોજ સવારે 11થી 2 વાગ્યા સુધી ભણાવે છે.

અહીંયા વિદ્યાર્થીઓને નાસ્તો પણ અપાઈ છે
સમગ્ર મામલે ડીસીપી ડો. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, બાળકોને પોલીસ સ્ટેશનમાં આવે તો પોલીસનું વર્તન પણ બદલાય છે. નાનપણમાં પોલીસ સાથે રહેવાને કારણે તેમના મનમાં પોલીસની છબી અલગ રીતે ઉભરી આવે છે. આ સાથે જ જરૂર પડ્યે તેઓ ભવિષ્યમાં નિસંકોચ પોલીસ સમક્ષ પણ આવી શકે છે. મહત્વનું છે કે આ શાળામાં વિદ્યાર્થીઓને યુનિફોર્મ, સ્કુલ બેગ, પાણીની બોટલ અને પુસ્તકો પણ આપવામાં આવે છે. અહિંયા 60 જેટલા ગરીબ બાળકોને ભણાવવામાં આવે છે અને નાસ્તો પણ આપવામાં આવે છે. આગામી સમયમાં પીડીયાટ્રીક ડોક્ટર્સની મદદથી બાળકોનું મેડીકલ ચેકઅપ કરવામાં આવશે. જરૂર જણાય તેવા કેસોમાં પુરતી સારવાર આપવામાં આવશે.
પ્રથમવાર પોલીસ સ્ટેશનમાં પાઠશાળા
આમ વડોદરામાં પ્રથમવાર પોલીસ સ્ટેશનમાં પાઠશાળા શરૂ થઈ છે. જેને સૌ કોઈ બિરદાવી રહ્યા છે.ગરીબ બાળકોને રોડ રસ્તા પર બેસાડી ભણાવતા સમાજ સેવીઓને પણ જગ્યા મળી રહે છે. ત્યારે આજ પ્રકારે દરેક વ્યક્તિ કે અધિકારી કાર્ય કરે તો ગરીબ બાળકોને પણ શિક્ષણનો અધિકાર પ્રાપ્ત થઈ શકે છે.